~બનાસકાંઠાએ ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ની ફાઇનલમાં કચ્છને 3-0થી હરાવી ચેમ્પિયનશિપ જીતી.

Mehsana, Gujarat, Aug 11 (VNI): ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં બનાસકાંઠાની ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે કચ્છની ટીમ રનરઅપ રહી હતી.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ફાઇનલ મેચની શરૂઆતથી જ બનાસકાંઠાની ટીમે રમત પર મજબૂત પકડ બનાવી હતી. મેચની બીજી જ મિનિટે અંજલિબેન ચૌધરીના પાસ પર રક્ષાબેન ચૌધરીએ બોલને ડ્રિબલ કરીને પેનલ્ટી એરિયામાં પહોંચાડ્યો હતો અને જમણા પગથી જોરદાર કિક મારી બનાસકાંઠાને 1-0ની લીડ અપાવી હતી.
મેચની ચોથી મિનિટે મેઘા ફળદુના પાસ પર લક્ષ્મીબેન ચૌધરીએ સુંદર ગોલ કરીને બનાસકાંઠાનો સ્કોર 2-0 કર્યો હતો. કચ્છની ટીમે ગોલ કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેને સફળતા મળી નહોતી. હાફ ટાઇમ સુધી બનાસકાંઠાની ટીમ 2-0થી આગળ રહી હતી.
બીજા હાફમાં પણ બનાસકાંઠાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મેચની 62મી મિનિટે લક્ષ્મીબેન ચૌધરીએ વધુ એક ગોલ કરીને ટીમની લીડ 3-0 કરી હતી. મેચના અંત સુધી કચ્છની ટીમ કોઈ ગોલ કરી શકી નહોતી અને બનાસકાંઠાએ 3-0ના સ્કોર સાથે ચેમ્પિયનશિપ જીતી હતી. બંને ટીમોને એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે 30 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 7થી 11 ઓગસ્ટ દરમિયાન એસએજી કોમ્પ્લેક્સ, વડનગર ખાતે યોજાઈ હતી. VNI NEWS, Banaskantha, Kutch, Zydus Cup 2026, Junior Girls Football, Gujarat Football, Football Tournament, Gujarat State Football Association, Banaskantha Football Team, Junior Girls Football Tournament, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *