~BAOU અને જેન્ડર રિસોર્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વલ્લભ વિદ્યાનગરમાં મહિલાઓની જાતીય સતામણી અને કાયદાકીય અધિકારો અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો.
Ahmedabad, Gujarat, Sep 09 (VNI): ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વલ્લભ વિદ્યાનગર ખાતે ‘જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ’ તથા ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩’ વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નલિની-અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમનો હેતુ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રી-ટેસ્ટથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે તાલીમનો પ્રારંભ થયો હતો. કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયે યુવાનોને આત્મસન્માન સાથે જવાબદાર નાગરિક તરીકે આગળ વધવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે ભૌતિક વિકાસની સાથે સુરક્ષિત, સંવેદનશીલ અને સન્માનજનક સમાજનું નિર્માણ પણ જરૂરી છે.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ચેરિટી કમિશનર ડૉ. યોગિની સિમ્પીએ યુવાનોને કાયદાઓ અંગે સરળ અને માહિતીસભર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાના જીવનના વિવિધ અનુભવોના ઉદાહરણો દ્વારા કાયદા પ્રત્યે જાગૃત રહેવા અને જવાબદારીપૂર્વક આગળ વધવા પ્રેરણા આપી હતી. ચરોતર વિદ્યામંડળ, વલ્લભ વિદ્યાનગરના સેક્રેટરી ડૉ. એસ. જી. પટેલે પણ સંસ્થા અને યુનિવર્સિટીની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
તાલીમના વિવિધ સત્રોમાં ડાયરેક્ટ ફેથ ફાઉન્ડેશન, વડોદરાના સુશ્રી સુઝન સેમસને જાતિગત સંવેદનશીલતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આણંદ લો કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કિરણ સી. ભરતીયાએ કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013ની જોગવાઈઓ, મહિલાઓના અધિકારો અને કાયદાકીય બાબતો અંગે માહિતી આપી હતી. જેન્ડર રિસોર્સ સેન્ટરના રિસર્ચ આસિસ્ટન્ટ સુશ્રી ધર્મિષ્ઠા ઝાલાએ યુવાનો અને પોષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓની સમજણનું મૂલ્યાંકન કરવા પોસ્ટ-ટેસ્ટ યોજાઈ હતી અને ત્યારબાદ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. તાલીમ દ્વારા મહિલાઓના કાયદાકીય અધિકારો, કાર્યસ્થળે જાતીય સતામણી અંગેની જાગૃતિ અને સુરક્ષિત તથા સન્માનજનક કાર્યપરિવેશના નિર્માણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. VNI NEWS, BAOU, Gender Resource Centre, Women Sexual Harassment, POSH Act 2013, Vallabh Vidyanagar, Gender and Development, Women Safety, Sexual Harassment, Gujarat, VNINews, VNINews.com
