Spread the love

Ahmedabad/South Africa, Johannesburg, Feb 03, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.) હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન સંપન્ન.
બી.એ.પી.એસ દ્વારા આજે અહીં જારી કરાયેલ એક અખબારી યાદી અનુસાર 2 ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થરાઇડિંગમાં આવેલ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ – એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું આગવું પ્રતીક બની રહ્યું છે.
આ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા 12 દિવસીય વિશિષ્ટ ઉત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’નું  આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અનેકવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની  શૃંખલા ભારત અને આફ્રિકન સંસ્કૃતિ-પરંપરાઓ વચ્ચેના સુદીર્ધ અને ગાઢ સંબધોને ઉજાગર કરશે.
દક્ષિણ આફ્રિકના ઉપ-રાષ્ટ્રપ્રમુખ પોલ મશાટાઇલે ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક ઉત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલા આ મંદિરની પ્રશંસા કરી હતી.
દક્ષિણ આફ્રિકામાં બી.એ.પી.એસ. મંદિરરૂપી ઐતિહાસિક પ્રદાન:
5.9 હેક્ટરમાં ફેલાયેલ અને 37,000 ચોરસ મીટરથી વધુ બાંધકામવાળું આ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયનું એક મહત્વપૂર્ણ યોગદાન છે.
ઉજ્જવળ ભવિષ્યની આશા અને એકતાનું સીમાચિન્હ: આ મંદિર અનેકવિધ પૃષ્ઠભૂમિના લોકોને શાંતિ અને સૌહાર્દની પ્રેરણા પૂરી પાડશે.
કળા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું ધામ: આ મંદિર હિંદુ આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક પરંપરાના સમૃદ્ધ વારસા અને ઉત્તમ શિલ્પકલાનું સૌને દર્શન કરાવે છે.
બહુસાંસ્કૃતિક અને આંતરધર્મીય સંવાદિતાનું કેન્દ્ર: આ મંદિર દરેક ધર્મ અને જાતિના લોકો વચ્ચે સંવાદિતા, સેવા અને પ્રેરણાનો સેતુ બની રહેશે.
એક શાશ્વત વારસો: સેંકડો સ્વયંસેવકોની નિષ્ઠા અને સેવાભાવથી બનેલું આ મંદિર નિઃસ્વાર્થ સેવા અને ભક્તિનું પ્રતીક છે. એન્વાયર્મેન્ટલ સસટેનિબિલિટીના ભાગરૂપે મંદિર પરિસરમાં 100 કરતાં વધારે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં અનેક વર્ષોથી ગતિમાન બી. એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સેવાકાર્યોમાં આ મંદિર એક સીમાચિન્હરૂપ બની રહેશે, જે વર્તમાન અને આવનારી અનેક પેઢીઓમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિકતાને જીવંત રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *