Spread the love

Ahmedabad, Oct 15, Gujarat ના અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ- ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ નો આજે શુભારંભ કરાવ્યો.
શ્રી પટેલ એ આ અવસર પર જણાવ્યું કે પત્રકારિતા લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારિતાનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે. પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા થકી સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટ ‘ફિટ ઇન્ડિયા’ની સંકલ્પના તેમણે આપી છે. જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે.
વિકાસ સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે ‘ફિટ ઇન્ડિયા – ફીટ મીડિયા’ પ્રોગ્રામનો ઉદઘાટન સમારોહ અમદાવાદ રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો.
મુખ્યમંત્રીએ આ સંદર્ભે કહ્યું કે, પત્રકારોની આરોગ્ય રક્ષા- સ્વાસ્થ્ય દરકાર માટે માહિતી ખાતા અને રેડક્રોસની આ પહેલ સરાહનીય છે. પત્રકારોના હેલ્થ ચેકઅપ માટેનો આ ઉપક્રમ દર વર્ષે યોજવાની હિમાયત પણ તેમણે કરી હતી.
તેમણે કહ્યું કે “પહેલું સુખ તે જાતે નર્યા” એ આપણી કાર્ય સંસ્કૃતિ છે. સ્વાસ્થ્ય સારું હશે તો કોઈ પણ ધંધા-રોજગાર કે વ્યવસાયમાં આપણે ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું. સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફ સ્ટાઇલને કારણે પત્રકાર સહિત દરેક વ્યવસાયકારોએ પોતાની આરોગ્ય સંભાળ અવશ્ય લેવી જોઈએ.
શરીરમાં આવેલા રોગ-ત્રુટીને જાણવા માટે આરોગ્ય તપાસ જરૂરી છે તેમ જ સમાજ- સરકારમાં રહેલી ત્રુટીની જાણ માટે પત્રકારિતા આવશ્યક છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશએ આ તકે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી જેનરીક દવાઓની ઉપયોગીતા સમજાવી હતી. પ્રચાર માધ્યમોના સહકારથી જન ઔષધી કેન્દ્રમાં મળતી દવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રંસગે સ્વાગત પ્રવચન કરતા ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમાચારો માટે સતત દોડતા પત્રકારોના આરોગ્યની દરકાર માટે મુખ્યમંત્રીએ ચિંતિત થઈ આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું.
શ્રી અજય પટેલે ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા થઈ રહેલા આરોગ્ય વિષયક સેવાઓ અને કાર્યો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ૨૮ બ્લડ બેંક કાર્યરત છે. એક કલાકમાં બ્લડ ટેસ્ટનો રિપોર્ટ મળી જાય તે પ્રકારની વ્યવસ્થાઓ છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩મા જન્મદિને ગુજરાત રેડક્રોસ દ્વારા રાજ્યમાં ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા. આગામી સમયમાં સમગ્ર દેશમાં ૧૦,૦૦૦ જેટલા સ્ટોર ખોલવામાં આવશે.
આ તકે માહિતી નિયામક કે.એલ.બચાણીએ પત્રકારો અને સૌ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મીડિયા લોકશાહીનો ચોથો અને મજબૂત સ્તંભ છે. લોકપ્રશ્નોને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ અને સંઘર્ષશીલ રહેતા મીડિયાકર્મીઓ ક્યારેક આરોગ્યની સંભાળ રાખવાનું ચૂકી જતા હોય છે. માહિતી ખાતા અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે શરૂ થયેલ રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમનો મહત્તમ પત્રકારો અને મીડિયા કર્મીઓ લાભ મેળવશે એવી આશા છે.
તેમણે મુખ્યમંત્રી તેમજ મંચસ્થ મહાનુભાવો સહિત કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ગુજરાતની વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરાવી હતી. તેમના સુશાસનના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલમાં આપણે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. જે અંતર્ગત આજે મીડિયા કર્મીઓ માટે ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ રાજ્યવ્યાપી કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ, તેમણે આરોગ્ય સહિત સમાજ કલ્યાણના કાર્યોમાં અગ્રેસર રહેતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ગુજરાત રેડક્રોસના સી.ઇ.ઓ. ડો.પ્રકાશ પરમાર, મેનેજિંગ કમિટી મેમ્બર ડો.અજય પટેલ, મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તથા સમાચાર પત્રો અને ચેનલોના સંપાદકો અને વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *