Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે
વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે
સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે
સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું
Ahmedabad, Gujarat, March 11, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. એમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે.
આ પ્રસંગે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણ શ્રી તેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ, લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્ય બાબુભાઈ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામી ઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *