Ahmedabad, Gujarat, Jan 22, અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક વર્ષ પૂર્ણ થવા પર શ્રી વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ના અમદાવાદ ખાતે આયોજિત ‘રામ રાત્રિ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પટેલએ કાર્યક્રમની શરૂઆત કરાવતા પ્રભુ શ્રીરામની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ, એમણે રામ સેનાના વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તથા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ‘એક શામ અપને શ્રી રામ કે નામ’ કાર્યક્રમમાં લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ સામાજિક ઉત્કર્ષ અને વિવિધ સેવાકીય કાર્યો માટે જાણીતું છે. ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, યુવાઓમાં નવચેતના પ્રેરવા સહિતના સામાજિક કાર્યો કરવામાં આવે છે.
‘રામ રાત્રિ’ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બીપીનભાઈ પટેલ, વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. નિસર્ગ વ્યાસ અને અન્ય સભ્યો, સંતો મહંતો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.