Rajkot, Gujarat, Dec 23, બ્રહ્માકુમારીઝ સંસ્થાના ડાયમંડ જ્યુબિલી વર્ષની, ઉજવણીનો રાજકોટથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક અમદાવાદ નંદિની બેનએ આજે જણાવ્યું કે ન ભૂતો ન ભવિષ્યતિ…જી હા, બ્રહ્માકુમારીઝ દ્વારા રાજકોટમાં ત્રંબાના આંગણે ભૂતકાળમાં કદી ન બની હોય કે ભવિષ્યમાં કદાચ ન પણ બની શકે, તેવો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ શનિ-રવિવારે યોજાયો અને બ્રહ્માકુમારીઝ ગુજરાતના ઝોનલ ડાયરેક્ટર રાજ્યોગીની ભારતીદીદીને આર. કે. યુનિવર્સીટી દ્વારા ‘સોશ્યલ ઇમ્પેક્ટ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો. જે રાજકોટ અને બ્રહ્માકુમારીઝ સંસ્થા માટે ગૌરવ છે.
નામ તેવા ગુણ… બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી નિમિતે રાજ્યભરના 1500થી વધુ તપસ્વી બાલબ્રહ્મચારિણી શિવશક્તિ બહેનોનું મહાસંમેલન – મહાસ્નેહમિલન યોજાઈ ગયું. આ ખાસ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર રાજ્યોગીની ભારતીદીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવનાની થીમ અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો થયા હતા. જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં 1500 રાજ્યોગીની બ્રહ્માકુમારી બહેનોએ દસ મિનિટ સુધી એક સાથે ઓમશાંતિના નાદ સાથે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત એંજલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી. આ સિવાય નૃત્ય નાટિકા અને દીવડાં રાસ રજૂ થયો હતો. ગુજરાતના મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત , મહેસાણા વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ બ્રહ્માકુમારી બહેનોનું ફરિશ્તા દેવદૂતો દ્વારા સ્વાગત કરાયું હતું.
માઉન્ટ આબુથી ખાસ પધારેલા સંસ્થાના મહાસચિવ બ્રહ્માકુમાર બ્રિજમોહનભાઈનું સંગીત અને સૂરના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાતને સપ્તરંગી ગણાવીને આધ્યાત્મિક સેવાઓમાં ગુજરાતને નંબર વન ગણાવ્યું. તેમણે શિવશક્તિની મહિમા ગાતા જણાવ્યું કે, શિવશક્તિના ખિવૈયા સ્વયં પરમાત્મા શિવ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાંથી એવી કોઈ વિશેષ સેવાયોજના તૈયાર કરો જે સમસ્ત ભારત પર લાગુ કરી શકાય. પરિવર્તનનો સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. સિંહ ઉપર સવારી કરનાર શિવશક્તિ સ્વરૂપા બ્રહ્માકુમારી બહેનોને તેમણે લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા ગણાવી હતી. આત્માને રીઅલ ડાયમંડ ગણાવ્યો હતો.
ગ્રામ વિકાસ વિભાગના અધ્યક્ષ બ્રહ્માકુમારી સરલાબેને ગુજરાતને વરદાનોની ભૂમિ ગણાવી હતી. તેમણે વર્ષ 2025માં ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત થનાર ઈશ્વરીય સેવાઓના વિવિધ 60 પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી તથા ઉપસ્થિત સર્વ બહેનોએ એક સાથે ગુજરાતને નિર્વિઘ્ન, શ્રેષ્ઠ બનાવવા દ્રઢ પ્રતિજ્ઞા કરાવી.
ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતીદીદીએ જણાવ્યું હતું કે, પરમાત્મા શિવે ગુજરાતને પોતાનો રૂમ (કમરો) બનાવ્યો અને હજુ વધુમાં વધુ સેવાઓ માટે આહવાન કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં હજુ સેવા વધારવાની છે. તમને કોઈ નવો વિચાર આવે તો જરૂર જણાવશો. તેમણે સ્વયમને પણ વધુ સશક્ત બનાવવા અમૃતવેલા ધ્યાનાભ્યાસ ઉપર વિશેષ ભાર આપ્યો.
યુવા પ્રભાગના અધ્યક્ષ બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીએ જણાવ્યું કે, આ ડાયમંડ જ્યુબીલી વર્ષમાં ગુજરાતનું એક પણ ઘર શિવ પરમાત્માના સંદેશ ‘મેરા બાબા આ ગયા’થી રહી ન જાય.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભગિની ભાનુબેન બાબરીયા, મેયર ભગિની નયનાબેન પેઢડીયા, બાલાજી વેફરના માલિક ભીખુભાઈ વિરાણી સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાલા, યુવા નેતા કિશોરભાઈ રાઠોડ, પંચશીલ સ્કૂલના માલિક ડી.કે. વડોદરિયા વગેરે મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સૌ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
આર. કે. યુનિવર્સીટીના ડાયરેક્ટર ડેનિસભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં બ્રહ્માકુમારીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ગર્વની ઘડી ગણાવી તથા ગમે ત્યારે સેવા માટે તત્પરતા દાખવી હતી.
આવા અનોખા મહોત્સવમાં ગુજરાતના દરેક જિલ્લાઓની વિશેષતા, મહત્વતા અને સેવાઓ સાથે બાળકલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય નાટિકા રજૂ કરાઈ. જેમાં ખાસ કરીને 4-5 વર્ષની પરી સમાન નાની નાની બાળાઓના નૃત્યએ સહુ કોઈને અભિભુત કરી દીધા હતા. આ ઉપરાંત દરેક ક્ષેત્રના આમંત્રિત અગ્રણી વેપારીઓ, ડોક્ટર, ઉદ્યોગપતિઓએ પોતાની હાજરી નોંધાવી હતી.