ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. આ બજેટ સતત ત્રીજીવાર વડાપ્રધાનના નેતૃત્વમાં જનતા જનાર્દને મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ રજૂ કરતું બજેટ છે.
શ્રી પટેલએ કહ્યું હતું કે, વડાપ્રધાનની ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસ આધારિત વિકાસની જે સંકલ્પના હતી તેને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં ઝળકે છે, સાથે સાથે રોજગાર, કૌશલ્ય, વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યુરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીની શતાબ્દીએ ૨૦૪૭ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે ૨ લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષોમાં ૪.૧ કરોડ યુવાઓ માટે પાંચ નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમીતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે.
વડાપ્રધાન શ્રી મોદીએ વિકસિત ભારત માટે જે ૯ પ્રાયોરિટી તય કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રોમાં કૃષિમાં ઉત્પાદકતા અને સમર્થન, રોજગાર અને કુશળતા, સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા, સંશોધન અને વિકાસ તેમજ આવનારી પેઢી માટે સુવિધાઓ જેવી બાબતોને બજેટમાં વણી લેવાનો પ્રયોગ આવકારદાયક છે.
તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે તેમજ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર થશે. એટલું જ નહિ, સર્ટિફિકેશન અને બ્રાન્ડ સપોર્ટ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મદદ કરવાનો વડાપ્રધાનશ્રીનો ખેડૂત કલ્યાણ લક્ષી અભિગમ પણ આ બજેટમાં પ્રતિબંબિત થયો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકાર સે સમૃદ્ધિના મંત્રને દેશભરમાં સરળતાથી પાર પાડવા નેશનલ કો-ઓપરેશન પોલિસી લાગુ કરવાના નિર્ણયથી રૂરલ ઇકોનોમીને ફાસ્ટ ટ્રેક પર લાવવા મદદ મળશે. તેમણે રોજગાર અને તાલીમ માટે ઇ.પી.એફ.ઓ. સાથે એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઈન્સેન્ટિવની ૩ યોજનાઓ શરૂ કરવાની વાતને આવકારતા કહ્યું કે, જોબ ક્રિએશન ઈન મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્કીમ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા રોજગારને પ્રોત્સાહન અપાશે. એમ્પ્લોયી અને એમ્પ્લોયર બન્નેને લાભ મળશે. તેમજ ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે.
તેમણે ઉમેર્યું કે, ઔદ્યોગિક એકમો સાથે ભાગીદારીમાં વર્કિંગ વુમન હોસ્ટેલ્સની સ્થાપનાથી મહિલા સશક્તિકરણ, વુમન-રિલેટેડ સ્કીલિંગ પ્રોગ્રામ્સ અને પ્રમોશન ઓફ માર્કેટ એક્સેસ માટે વિશેષ કાર્યક્રમો આયોજિત થવાની સંભાવનાઓ ગુજરાતમાં વુમન વર્કફોર્સને વધુ અસરકારક બનાવશે.
મુખ્યમંત્રીએ કોશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના અભિગમને આવકારતા કહ્યું હતું કે, સ્કીલિંગ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકાર અને ઈન્ડસ્ટ્રી સાથે ભાગીદારીમાં કેન્દ્ર સરકાર આગામી ૫ વર્ષમાં ૨૦ લાખ જેટલા યુવાનોને તાલીમ આપવાનો વ્યાપક સ્કીલિંગ પ્રોગ્રામ હાથ ધરાશે. ૧૦૦૦ જેટલા ઈન્ડસ્ટ્રી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સને અપગ્રેડ કરવામાં આવશે, આના પરિણામે ગુજરાતના યુવાનો માટે અપસ્કીલીંગ અને સ્કીલ ડેવલપમેન્ટની નવી તકો ખૂલશે તેની પણ તેણે સરાહના કરી છે.પી.એમ. આવાસ યોજના અંતર્ગત દેશમાં ૩ કરોડ નવા આવાસોના નિર્માણ માટે વ્યવસ્થા કરાશે. આના પરિણામે દેશના કરોડો ગરીબોને પોતીકું ઘર મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનના આદિજાતિ વિકાસના સંકલ્પને આવકારતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પી.એમ. જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાઓના લાભના સેચ્યુરેશનને વેગ આપવામાં આવશે. તેનો સીધો લાભ ૬૩,૦૦૦ જેટલા ગામોના ૫ કરોડથી વધુ આદિજાતિ લાભાર્થીઓને મળશે. ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોના આદિજાતિ બાંધવોને પણ તેનો વ્યાપક લાભ મળશે.
તેમણે આ બજેટને રાજ્યના ઉદ્યોગોને વેગ આપતું બજેટ ગણાવ્યું છે. આ અંગે તેમણે કહ્યું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એમ.એસ.એમ.ઈ. એ બેકબોન સમાન છે અને આ બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓથી એમએસએમઈ સેક્ટરને બુસ્ટ મળશે. એટલું જ નહિ,એમ.એસ.એમ.ઇ. અને લેબર ઇન્સેન્ટીવ ઉત્પાદન એકમો પર આ બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. તેમણે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રના એમ.એસ.એમ.ઈ. માટે ક્રેડિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે તેમજ આ સ્કીમથી મશીનરી અને સાધનોની ખરીદી માટે ગેરંટી વિનાની લોન માટે પણ સ્કીમ શરૂ થવાની છે તેને પણ આવકારગદાયક ગણાવી હતી.
મુખ્યમંત્રીએ મુદ્રા લોન હાલના ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકાર, ૫ વર્ષોમાં ૧ કરોડ યુવાઓને ટોપની ૧૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. ૫ હજાર રૂપિયા પ્રતિ માસ એલાઉન્સ પણ મળશે. સાથે ૬ હજાર રૂપિયાની ૧ વખતની સહાય પણ અપાશે તેમજ કંપનીઓ તાલીમ ખર્ચ ઉપાડશે અને ૧૦ ટકા ઇન્ટર્નશીપ ખર્ચ સી.એસ.આર. ફંડમાંથી ભોગવશે તે બાબતને તેમણે આવકારી હતી.
તેમણે બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ રેડી, પ્લગ એન્ડ પ્લે ૧૦૦ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરવાની જોગવાઈ સંદર્ભમાં કહ્યું કે, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૧૨ નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર કરવામાં આવશે. ગુજરાતના યુવા ઉદ્યોગકારોના ઉદ્યોગોને આના પરિણામે મોટું પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું હતું. બિનપરંપરાગત ઊર્જામાં રાજ્યના મિશનને વધુ વેગવાન બનાવવામાં પી.એમ. સૂર્યઘર મુફ્ત બિજલી યોજના રૂફ ટોપ સોલાર પ્લાંટ માટે શરૂ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનામાં ૧ કરોડ આવાસ ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે. આ યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે અને ૧.૨૮ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ૧૪ લાખ અરજીઓ આવી છે. ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં અનર્જી સિક્યુરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય નાણમંત્રી દ્વારા એન્જલ ટેક્સ દૂર કરવાની જાહેરાતને ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે એવી પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે તેમજ રૉ-ડાયમંડ માટે આ બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશીંગ ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યા સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે, તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે જ એવા વિશ્વાસ સાથે મુખ્યમંત્રીએ આવું સર્વસમાવેશી, સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય નાણામંત્રીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો હતો.