Spread the love

Ahmedabad, Sep 28, Gujarat ના મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આઈ.આઇ .એમ . અમદાવાદ માં યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિર નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આપણે સૌએ ચિંતન કરવાની આદત પાડવા જેવી છે. જે કંઈ કામ કરીએ તે અંગે સમયાંતરે ચિંતન થવું જરૂરી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘કર્મયોગી’ તથા ‘ચિંતન શિબિર’ની સંકલ્પના આપી, એનું હાર્દ જ એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, તેના વિશે ચિંતન કરીએ.
ચિંતન કરવાથી કોઈ પણ કામ વધુ સારી રીતે કરતા થવાની આદત પડે છે. ચિંતન નથી થતું ત્યારે જ સમસ્યાઓ ઊભી થતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણાં કાર્ય અને આપણી કામ કરવાની પદ્ધતિ અંગે ચિંતન કરવાનું છે. કોઈ અન્ય વ્યક્તિની સાથે સરખામણી કર્યા વિના પોતાની ભૂમિકાને સારી રીતે ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે શીખવાની, ભણવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની  કોઈ ઉંમર હોતી નથી. આવી ચિંતન શિબિર નો હાર્દ પણ  એજ છે એમ તેમણે કહ્યું હતું.
એમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેવા અને ભાવનો હકારાત્મક સમન્વય જરૂરી છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં કામ કરનારા લોકોની વર્તણૂકની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાતી હોય છે, એટલે આપણી વિશેષ જવાબદારી બને છે. તમારી વર્તણૂક સીએમ ઓફિસનું પ્રતિબિંબ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા સમયમાં લોકોની અપેક્ષાઓ વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને આપણે સૌએ વધુ સજ્જતા કેળવવી પડશે. આપણને સૌને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે એક સારા ટ્રસ્ટી તરીકે સેવા ભાવથી આપણી ભૂમિકા ભજવવાની છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ચિંતન શિબિરમાં સ્વાગત પ્રવચન કરતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં લર્નિંગ અને શેરિંગ ઉપરાંત ટીમબોન્ડિંગ વધે છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની નિર્ણાયક ભૂમિકા હોય છે ત્યારે સૌ અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રો-એક્ટિવ અને પ્રો-પીપલ એપ્રોચ કેળવવાનું કામ પણ આવી શિબિર થકી થઈ શકે છે.
સચિવએ ગત ચિંતન શિબિરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ચિંતન શિબિર પછી સૌની ઊર્જામાં ઉમેરો થયો હતો અને સજ્જતાની સાથે સાથે અભિગમમાં પણ સકારાત્મક પરિણામો જોવાં મળ્યાં હતાં. બદલાતા સમયમાં અનેક અનિશ્ચિતતાઓ, વારંવાર ઊભી થતી સમસ્યાઓ અને વિવિધ પડકારો વચ્ચે સજ્જતા, ટીમ વર્ક અને પ્રો-એક્ટિવ એપ્રોચ થકી જ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય. આ દિશામાં આગળ વધવામાં આ ચિંતન શિબિર ફળદાયી નીવડશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીના  મુખ્ય સલાહકાર  અને SOUL  ના વાઇસ ચેરમેન  હસમુખ અઢીયા દ્વારા ટાઇમ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેશન લેવામાં આવ્યું હતું.
શ્રી અઢીયાએ સ્ટ્રેસ મેનેજમેન્ટની કેટલીક ટિપ્સ આપતા પારિવારિક સંબંધો, પૂરતી ઊંઘ, ધ્યાન તથા કર્મના સિદ્ધાંતો સમજવા પર ભાર મૂક્યો હતો. તેમણે PORT (પઝેશન્સ, ઓબ્લિગેશન્સ, રિલેશન્સ અને ટ્રાન્ઝેક્શન) થિયરી સમજાવી હતી.
ચિંતન શિબિરની આખરમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તથા એમ કે દાસે  પોતાનાં અનુભવો અને મંતવ્યો રજૂ કર્યાં હતાં.
તેમણે આ એક દિવસીય ચિંતન શિબિર  મુખ્યમંત્રી કાર્યાલયના  અધિકારીઓ કર્મયોગીઓને  તેમના કામકાજ અને કાર્યદક્ષતા માં ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ચિંતન શિબિરમાં સીએમઓના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.
ચિંતન શિબિરનું સમગ્ર આયોજન  આઈ આઇ એમ અમદાવાદ અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આઈઆઈએમ, અમદાવાદના ડિરેક્ટર શ્રી ડૉ. ભરત ભાસ્કર પણ ઉપસ્થિત રહ્યા હતા .ચિંતન શિબિર નું સંચાલન SOULના સુશ્રી પ્રેરણા દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચિંતન શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઈમોશનલ ઇન્ટેલિજન્સ, ડિજિટલાઇઝેશન, ટીમ બિલ્ડિંગ, કમ્યૂનિકેશન વગેરે વિષયો પર વિવિધ સેશન્સ યોજાયા હતા.