Ahmedabad, Gujarat, Feb 10, ગુજરાત ના અમદાવાદમાં કવિ નીતિન પારેખના બીજા કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે 09 ફેબ્રુઆરી, રવિવારના રોજ,આર્યમાન બંગ્લોઝ, શીલજ,અમદાવાદ ખાતે જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટના વરદ્દહસ્તે કવિ નીતિન પારેખના બીજા કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ના વિમોચન પ્રસંગે નૃત્ય અને કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ રઈશ મનીઆરે કર્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.’અજવાળાની ક્ષણ’ કાવ્યસંગ્રહના વિમોચન અંતર્ગત અંતર્ગત ભરત બારીયા અને અક્ષય પટેલ તેમજ સાથી નૃત્ય કલાકારો દ્વારા વૈષ્ણવજન, માતૃવંદના , ઢોલના તાલે અસવાર આયો રે,માતાજીના ડાકલા,શ્રી રામ ઉત્સવની પ્રસ્તુતિ થઇ.કવિસંમેલનમાં ઉપસ્થિત કવિઓએ સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો હતો.
કવિસંમેલનમાં રજૂ થયેલ કવિતા :
માપી-માપી માણસોને માપવાનાં કેટલાં !
બિલ વાંચે, તોય પૂછે : આપવાનાં કેટલાં ?
– નિનાદ અધ્યારુ
સાચો છું તોય હું મને સાબિત નહીં કરું ,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
-રઈશ મનીઆર
આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં.
– હરદ્વાર ગોસ્વામી
ચુપચાપ બેસ,કાન વિશે પૂછ ના મને,
હું સાંભળું છું,ધ્યાન વિશે પૂછ ના મને.
-સતીન દેસાઈ પરવેઝ
દેખાય નહીં તો ઈશ્વર સલામત છે,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.
-હર્ષ બ્રહ્મભટ્ટ
ગઝલનું નામ આપીને તમે જે મોજથી માણ્યા,
એ શબ્દો ક્યાંથી આવ્યા છે અમારો જીવ જાણે છે.
– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘
તમે શુકનનું શ્રીફળ વાલમ, અમે સોપારીનો કટકો,
તમે અમારી પાછળ શાને, ઘેલા-ઘેલા ભટકો!
જેણે જેણે પ્રીત કરી છે,
નોખી જગની રીત કરી છે.
દ્વાર કર્યાં છે એણે ત્યાં ત્યાં,
જ્યાં દુનિયાએ ભીંત કરી છે.
જાત પૂરેપૂરી જાગી જાય ત્યારે આવજે,
ને પ્રભુની લગની લાગી જાય ત્યારે આવજે.
નીતિન પારેખ
