Ahmedabad, Gujarat, Apr 02, ગુજરાત ના પોરબંદર ના માધવપુર ઘેડ મેળા પહેલાં રાજ્યના વિવિધ શહેરોમાં નૃત્યના કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે આવતીકાલ તા. 3 જી એપ્રિલના રોજ નૃત્ય કાર્યક્રમ યોજાશે.
માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર-પૂર્વનાં 600 અને ગુજરાતના 800 કલાકારોએ આજે સાંજે અમદાવાદ ટ્રાન્સ્ટેડિયા ખાતે કાર્યક્રમનું રિહર્સલ કર્યું હતું. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના તથા ગુજરાત રાજ્યના કલાકારોએ 28 થી વધુ નૃત્ય પર ઉત્સાહભેર રિહર્સલ કરી પોતાની કલાના કામણ પાથર્યા હતા.
માધવપુર ઘેડ મહોત્સવમાં પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે કલાકારોમાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને થનગનાટ છે. વિવિધ રાજ્યોમાંથી પધારેલા આ કલાકારોનું ગુજરાતની ધરતી પર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે, હાલમાં આ કલાકારો ગુજરાતની કલા અને સંસ્કૃતિને જાણીને માણવાનો લ્હાવો લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં આગામી તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ક્વિદંતી અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અરુણાચલ પ્રદેશના રાણી રુકમણી સાથે વિવાહ થયા હતા. આ વિવાહની ઉજવણી કરવા માટે માધવપુર ઘેડમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે.