Spread the love

અમદાવાદ, 23 ઓગસ્ટ, ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ટપાલ વિભાગ “દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે.
શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે શિક્ષણ પ્રણાલીમાં ફિલાટેલીને પ્રોત્સાહન આપવા અને મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્ય સાથે, પોસ્ટ વિભાગ વિદ્યાર્થીઓ માટે “દીન દયાલ સ્પર્શ યોજના” (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિ) પ્રદાન કરશે. વર્ષ 2017 થી શરૂ થયેલ આ યોજના માં ધોરણ 6 થી 9 વર્ગના બાળકો માટે યોજના શરૂ કરવામાં આવેલ છે. જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ જેમની પાસે સારો શૈક્ષણિક રેકોર્ડ છે અને જેમણે એક શોખ તરીકે ફિલાટેલીને અપનાવી છે તેઓને વાર્ષિક રૂ. 6000/-ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ શિષ્યવૃત્તિ યોજનામાં લાભાર્થીઓની પસંદગી માટે આયોજિત પરીક્ષામાં બેસવા માટે નિયત ફોર્મેટમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18મી સપ્ટેમ્બર 2024 છે.
પોસ્ટ માસ્ટર જનરલે જણાવ્યું હતું કે આ અંતર્ગત, અખિલ ભારતીય સ્તરે દરેક પોસ્ટલ સર્કલ કાર્યાલય ધ્વારા ધોરણ 6, 7, 8 અને 9 ના દરેક ના એવા 10 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરાશે. મહત્તમ ૪૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરાશે. શિષ્યવૃત્તિની રકમ દર મહિને રૂ. 500/-ના દરે પ્રતિ વર્ષ રૂ. 6000/- હશે, જે ત્રિમાસિક ધોરણે ચૂકવવાપાત્ર રહેશે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી યાદવે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પાત્ર બનવા માટે, વ્યક્તિએ ભારતમાં માન્યતા પ્રાપ્ત શાળાનો વિદ્યાર્થી હોવો આવશ્યક છે.
સંબંધિત શાળામાં ફિલાટેલી ક્લબ હોવી જોઈએ અને ઉમેદવાર ક્લબનો સભ્ય હોવો જોઈએ. જો શાળા પાસે ફિલેટી ક્લબ ન હોય, તો તે શાળાના તે વિદ્યાર્થીઓના નામ કે જેઓનું પોતાનું  ફિલાટેલી  ડિપોઝીટ ખાતું છે તે પણ ધ્યાનમાં લઈ શકાય છે. પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા રૂ. 200 સાથે  ફિલાટેલી  ડિપોઝીટ ખાતું ખોલાવી શકાય છે.  શિષ્યવૃત્તિ માટે પસંદગી કરતી વખતે, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉમેદવારે છેલ્લી અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ/ગ્રેડ પોઈન્ટ્સ મેળવ્યા હોવા જોઈએ. SC/ST ઉમેદવારો માટે 5 ટકા છૂટછાટ હશે.
શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પ્રથમ વિભાગીય સ્તરની લેખિત ક્વિઝ 30 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે, જેમાં 50 વૈકલ્પિક પસંદગીના પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે. આમાં, સફળ વિદ્યાર્થીઓએ અંતિમ પસંદગી માટે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં મહત્તમ 500 શબ્દોમાં 16 પોસ્ટેજ સ્ટેમ્પ્સ સાથે ફિલેટી પ્રોજેક્ટ જમા કરવાનો રહેશે.  આ માટે સર્કલ કક્ષાએ પોસ્ટલ ઓફિસરો અને નામાંકિત ફિલાટેલિસ્ટની એક કમિટી પણ બનાવવામાં આવશે. અંતિમ પરિણામ 30 નવેમ્બર, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતા સાથે પોસ્ટ ઓફિસ અથવા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં સંયુક્ત ખાતું ખોલાવવું પડશે.
એમણે જણાવ્યું હતું કે આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ ફિલેટલીની રુચિને પ્રોત્સાહિત કરવાનો છે જેથી તે એક રસપ્રદ પ્રવૃત્તિ બની જાય અને તેમને આરામનો અનુભવ અને તણાવમુક્ત જીવન પણ પ્રદાન કરે.