Gandhinagar, Gujarat, Feb 16, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રવિવારએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિબદ્ધ શ્રી દેવવ્રતએ કહ્યું કે વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા એક મહત્વપૂર્ણ પડાવ હોય છે. જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવે છે, તેમ તેમ વિદ્યાર્થીઓના મનમાં ગભરાટ અને તણાવ વધવા લાગે છે. પરંતુ પરીક્ષાથી ડરવાની જરૂર નથી, તેને એક ઉત્સવ તરીકે ઉજવવી જોઈએ. પરીક્ષા એ તમારા જ્ઞાન અને મહેનતને પરખવાની એક પારાશીશી માત્ર છે, એક માધ્યમ માત્ર છે. પરીક્ષા તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની એક પ્રણાલી છે, જેનાથી તમને ખબર પડે કે, આખા વર્ષ દરમિયાન તમે કેટલું શીખ્યા અને ક્યા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે?
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી રહ્યા છે. આપણું સૌભાગ્ય છે કે, દેશના વડાપ્રધાન સ્વયં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને પરીક્ષાના તણાવથી મુક્ત થવા માટે પ્રેરણા આપી રહ્યાં છે.
પરીક્ષાથી ડરવાની જરૂર નથી, તે આત્મમૂલ્યાંકનનો અવસર છે :
વિદ્યાર્થીઓએ પરીક્ષાથી ડરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચારોથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે. પોતાને કદી પણ નબળા કે હીન ન સમજવા જોઈએ. આખા વર્ષના પરિશ્રમનું જ પરિણામ પરીક્ષામાં દેખાય છે, તેથી ગભરાવાની જરૂર નથી. હંમેશા યાદ રાખો કે પરીક્ષા તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. વર્ષ દરમિયાન તમે જે ભણ્યા છો, જે કંઈ વાંચ્યું છે, તેને યોગ્ય રીતે યાદ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પરીક્ષાથી આતંકિત થવાને બદલે તેને આત્મમૂલ્યાંકનના અવસર તરીકે જુઓ. આત્મવિશ્વાસ અકબંધ રાખો અને કોઈ પણ પ્રકારની નબળાઈને તમારા મનમાં પ્રવેશ ના આપો.
પરીક્ષા ખંડમાં તણાવમુક્ત રહો :
પરીક્ષા હોલમાં પ્રવેશતાં પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ : (1) આધ્યાત્મિક શાંતિ – પરીક્ષા ખંડમાં પ્રવેશતાં તમારા ઇષ્ટદેવ અથવા પરમાત્માનું સ્મરણ કરો અને મનને શાંત કરો. (2) પ્રશ્નપત્ર ધ્યાનપૂર્વક વાંચો, તેને બરોબર સમજો અને જે પ્રશ્નોમાં તમે વધુ નિપુણ હો, તેને પહેલા ઉકેલો. જો કોઈ પ્રશ્ન અઘરો લાગે તો ગભરાશો નહિ, પહેલાં સહેલા અને સરળ પ્રશ્નો ઉકેલો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને ટેન્શન નહીં અનુભવાય. (3) સમયનું યોગ્ય આયોજન કરો – પરીક્ષા દરમિયાન સમયનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ આવશ્યક છે. (4) તણાવમુક્ત રહો – પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારનો ભય રાખશો નહિ. જેમ તમે દરરોજ વર્ગમાં અભ્યાસ કરતા હતા તેમ આ પણ એક સામાન્ય પ્રક્રિયા છે.
સમય વ્યવસ્થાપન અને તૈયારીની વ્યૂહરચના :
સારા ગુણ મેળવવા માટે પરીક્ષા સુધીના બાકી રહેલા સમયનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. તેના માટે શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવો. (1) ટાઈમ-ટેબલ બનાવો – અભ્યાસ માટે ચોક્કસ સમય નક્કી કરો અને કયા વિષય ને કેટલો સમય આપવો છે તે નક્કી કરો. (2) વિષયનું સંતુલન જાળવો – એક જ વિષય પર ધ્યાન આપવાને બદલે તમામ વિષયોને બરાબર મહત્ત્વ આપો. (3) બિનજરૂરી બાબતોથી દૂર રહો – મોબાઈલ, ટીવી અને અન્ય મનોરંજનના સાધનોથી દૂર રહો જેથી અભ્યાસ પર એકાગ્રતા પર્વક ધ્યાન આપી શકો. (4) આરોગ્યની કાળજી લો – પૂરતી ઊંઘ કરો, પૌષ્ટિક આહાર લો અને હળવી કસરત કરો, જેથી તન અને મન પ્રસન્ન રહેશે.
માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરો :
આ વયમાં ઘણીવાર વિદ્યાર્થીઓ વ્યર્થ વસ્તુઓ તરફ આકર્ષાય છે, પરંતુ માતા-પિતા અને ગુરુજનો સત્યના માર્ગદર્શક હોય છે. તેમનું સન્માન કરો અને તેમની શીખામણને જીવનમાં અપનાવો. વિદ્યાર્થીઓએ એ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે માતા-પિતાએ તેમના માટે ઘણા ત્યાગ કર્યા છે. તેઓ સ્વયં અભાવમાં, ઓછા સંસાધનો સાથે જીવે છે, પણ પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડે છે. માતા પતાનો આ ત્યાગ સમજીને, તેને માન આપવું જોઈએ. ગુરુજનોનું સન્માન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. મહાન વિદ્વાનોએ કહ્યું છે:
अभिवादनशीलस्य नित्यं वृद्धोपसेविनः।
चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशोबलम्।।
અર્થાત, જે વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરે છે, તેના જીવનમાં આયુષ્ય, જ્ઞાન, યશ અને બળની વૃદ્ધિ થાય છે.
મહેનત જ સફળતાની ચાવી છે :
માણસનો સૌથી મોટો દુશ્મન તેની આળસ છે. જે મહેનત કરે, તેને ચોક્કસ સફળતા મળે છે. મહાન વિદ્વાનોએ કહ્યું છે:
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।।
અર્થાત, માત્ર ઈચ્છા રાખવાથી કોઈ કાર્ય સિદ્ધ થતાં નથી, મહેનત કરવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે. જેમ કે, સિંહ પણ જો સૂતો રહે, તો તેનો શિકાર સ્વયં આવીને તેના મુખમાં પ્રવેશતો નથી.
વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી દરમિયાન વાંચવાની સાથે સાથે લખવાનો પણ પૂરતો અભ્યાસ કરવો જોઈએ. જે કંઈ યાદ કર્યું છે, સ્મરણમાં છે તેને લખીને વધુ દ્રઢ કરવું જોઈએ. જેથી લખવાની પ્રેક્ટિસ થાય અને ઝડપ પણ જળવાઈ રહે. આમ કરવાથી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકાશે.
માર્કસ જ માત્ર સર્વસ્વ નથી :
ઘણા વિદ્યાર્થીઓ માનતા હોય છે કે, ફક્ત સારા માર્કસ જ સફળતાની ચાવી છે, પણ એવું નથી. ઇતિહાસ સાક્ષી છે કે, ઘણાં એવા મહાન વિદ્વાનો અને ઉદ્યોગપતિઓ છે, જેમણે શાળામાં ઉત્તમ પરિણામ ના મેળવ્યા હોય, પણ જીવનમાં સફળતાના મહાન શિખરો સર કર્યા હોય. પ્રત્યેક વ્યક્તિને પોતાની વિશેષતાની ઓળખ હોવી જોઈએ. દરેક વ્યક્તિમાં વિશેષ પ્રતિભા રહેલી જ છે. જરૂર છે માત્ર તેને જાણવાની અને નિખારવાની. નિષ્ફળતાથી નિરાશ થઈને ગભરાઈ જવાની જરૂર નથી. નિષ્ફળતામાંથી બોધ લઈને આગળ વધવું જોઈએ. જે વ્યક્તિ નિષ્ફળતાથી ડરતો નથી, જીવનમાં તે જ નવી ઊંચાઈઓ સર કરી શકે છે.
गिरते हैं शहसवार ही मैदान-ए-जंग में।
वो तिफ़्ल क्या गिरेगा जो घुटनों के बल चले।।
અર્થાત કેવળ ઘોડેસવાર જ મેદાન-એ-જંગમાં પડે-આખડે છે. ભાખોડીયા ભરતાં ભૂલકાંને પડી જવાનો ભય શાનો? જે લોકો પ્રયત્ન જ નથી કરતા, તેમનાથી સફળતા અને નિષ્ફળતા બંને જોજનો દૂર જ રહે છે.
સફળતાનો મૂળ મંત્ર : હકારાત્મક દૃષ્ટિકોણ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો :
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતા માં કહ્યું છે : सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ।। અર્થાત, જે વ્યક્તિ સુખ-દુઃખ, લાભ-હાનિ અને જીત-પરાજયમાં સમાનભાવ રાખે છે, તે મહાન બને છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાને આ જ ભાવથી લેવી જોઈએ અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ નહીં થવાનું. પૂરેપૂરી નિષ્ઠા સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ.
પરીક્ષા તમારા જ્ઞાનનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ માત્ર છે. તેનાથી ડરવાની કે ભયભીત થવાની લેશમાત્ર જરૂર નથી. સખત મહેનતથી કોઈપણ વિદ્યાર્થી સારા માર્કસ મેળવી જ શકે છે. માતા-પિતા અને ગુરુજનોનું સતત માર્ગદર્શન મેળવતા રહો. તમારો પરિશ્રમ અને પ્રમાણિકતા તમને જીવનમાં જરૂર પ્રગતિના પંથે લઈ જશે. મહેનત કરો, આત્મવિશ્વાસ જાળવી રાખો અને સફળતાની દિશામાં આગળ વધો. ઈશ્વર આપ સૌને હંમેશા શુભ અવસર આપે એવી અભ્યર્થના સાથે, સૌ જ્વલંત સફળતા મેળવો એવી મારી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.
