Ahmedabad, Gujarat, Mar 09, ગુજરાત નાં અમદાવાદમાં વાર્તાકાર દિવ્યા જાદવ દ્વારા એમની વાર્તા ‘થપ્પો’નું પઠન કરવામાં આવ્યું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૦૮/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર દિવ્યા જાદવ દ્વારા એમની વાર્તા ‘થપ્પો’નું પઠન કરવામાં આવ્યું હતું. નાયક નંદલાલ ઘરની બારી ખોલે છે ત્યાં જ એની નજર રસ્તાની પેલે પાર આવેલા શ્મશાન સુધી પહોંચી જાય છે. એ આંખો મીંચી દે છે. એની સમક્ષ મિત્ર હરજીનો ચહેરો ઊપસી આવે છે.
સ્મશાને અગ્નિદાહ માટે વેંઈટીંગમાં રહેલી લાશોમાં એક લાશ હરજીની પણ હોય છે.કોરાનાકાળનું એ દૃશ્ય ભૂલ્યું ભૂલાતું નથી. નંદલાલની પત્ની એને સાંત્વના આપતાં કહે છે કે હરિ ઇચ્છા! ત્યારે નંદલાલ બોલી ઊઠે છે હરિ ઇચ્છા નહીં, હરિયાની ઈચ્છા. એ મને કાયમ આમ જ થપ્પો આપતો રહ્યો છે. નંદલાલની નજર સામેથી હરિયા સાથેની થોડી ઘટનાઓ પસાર થઈ જાય છે.
પકડદાવમાં હંમેશા હરિયો નંદલાલને થપ્પો આપી જતો. બીડી પીવાની ઘટના વખતે પણ એમ જ થયેલું, તો અંધારામાં સંતાવાની રમતમાં હરિયાનો જ હાથ પકડવો પડ્યો હતો. આજે જ્યારે હરિયાના દીકરાનો ફોન આવ્યો કે ‘બાપુજીને તમારા ઘર સામેના સ્મશાનમાં દેન દેવાનો છે’ ત્યારે આ બધાં સંસ્મરણો નંદલાલ પર હાવી થઈ જાય છે.
આજે સફેદ ચાદરમાં વીંટળાયેલી અનેક લાશો વચ્ચે હરિયાની લાશ પણ એને થપ્પો આપી ગઈ હતી. નંદલાલ ઘરની દીવાલ પર હથેળી પછાડતાં એટલું જ બોલી શકે છે: હરિયા થપ્પો.
કોરાનકાળને તાદૃશ કરતી આ વાર્તાની વસ્તુ સંકલના ખૂબ સાહજિક ગૂંથણી પામી છે. આ કાર્યશાળા જાણીતા વાર્તાકાર કિરીટ દૂધાતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાથે સાથે નગીનચંદ્ર ડોડિયા, બાબુભાઈ નાયક, મનહર ઓઝા, ચિરાગ ઠક્કર, દીના પંડ્યા, નિર્મલા મેકવાન, પૂર્વી શાહ, ઉર્વશી શાહ, એક્તા નીરવ દોશી, અનિરુદ્ધ ઠક્કર, નિમિષા ઠક્કર, ભરત સાંગાણી, ખ્યાતિ આચાર્ય, નીરજ કંસારા, હેમંત શાહ, અરૂણભાઈ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.
