Spread the love

~ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી
~સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને રૂ. ૧ કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો:- કમિશનર ડૉ. એચ.જી.કોશિયા
~સોશિયલ મીડિયા પર કોસ્મેટિક બનાવટની ભ્રામક તથા નાગરિકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચતા ઇસમોને પકડી પાડતું તંત્ર
Gandhinagar, Gujarat, May 22, ગુજરાત માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આજે જણાવ્યું કે, સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે રૂ. ૧ કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો.
ડૉ. કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિક્સના કુલ ૧૪ નમૂનાનું પરીક્ષણ કરી તેમાં ભેળસેળ જણાતા ડુપ્લિકેટ કોસ્મેટિકના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત ખાતે કોસ્મેટિકના કોઇપણ લાયસન્‍સ વગર અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્‍સનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ પર મનફાવે તેવા આકર્ષક, ભ્રામક અને નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી પરફોર્મન્‍સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લીફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટની ઇન્‍સ્ટાગ્રામ સોશિયલ મીડીયા પર મોટાપાયે જાહેરાતો કરી Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું ગેરકાયદેસર કૃત્ય ચાલતું હતું.
આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ સુરતના રાજેશભાઇ ડાહ્યાભાઇ લાઠીયાના રહેણાંકના મકાન સુરત ખાતે દરોડો પાડતાં પેકીંગ મટીરીયલ તેમજ ડુપ્લીકેટ પ્રોડક્ટના ઓનલાઇનના બોક્ષ વિપુલ માત્રામાં મળી આવ્યા હતા. જેઓએ તેમના અન્ય પાર્ટનરની સાથે મેળાપીપળામાં ઓનલાઇન બ્રાન્‍ડેડ ડુપ્લીકેટ કોસ્મેટિકનું રેકેટ ચાલુ કર્યું હતું, જેથી તંત્રની જૂનાગઢની ટીમે કુલદીપ પટોળીયા, કેશોદના રહેઠાણ મકાનમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવટો મળેલ જે ઓનલાઇન Meesho પ્લેટફોર્મ પર ભાગીદારીથી વેચાણ કરતાં ઝડપી પાડી હતી. વધુમાં, તેઓના ત્યાંથી બનાવટી કોસ્મેટિકના ૧૪ નમુના પૃથ્થકરણ અર્થે મોકલી આપી અને આશરે રૂ. ૫૫ લાખનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં કમિશનરએ ઉમેર્યું કે, સુરતની મે. WRIXTY AYURVEDA ના માલિક કૈશીક ધર્મેશભાઇ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન વિપુલ માત્રામાં બનાવટી કોસ્મેટિકનું વેચાણની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળી હતી. જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ સુરત ખાતે દરોડો પાડી ખોટા લાયસન્‍સ નંબર છાપી બનાવટી કોસ્મેટિકનુ વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડ્યાં હતા. આ ઇસમોને પ્રોડક્ટનાં લેબલ અને તૈયાર પ્રોડક્ટ વગેરે મુંબઇના ક્રાફેટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્‍ટો પાસેથી લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતાં હતા, જેમને આ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુમાં, વેચાણ અર્થે કુલ ૦૫ નમૂના પૃથ્થકરણ કરી અને આશરે રૂ. ૧૫ લાખનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના પેથાપુર ખાતે મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદિપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્‍ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા મળી આવ્યા હતા. તેમના મકાનમાં ZEBA ZULF-E-HENNA (HENNA POWDER) અને HAIR COLOR NATURAL BLACK બનાવટી કોસ્મેટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જેની બાતમી મળતાં વડી કચેરી ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન M/S. EXCELL IMPEX GUJARAT PVT. LTD., અમદાવાદ અને M/S. YUTVIKA NATURAL PVT LTD, રાજસ્થાનની કંપનીની ઉપરોક્ત બ્રાન્‍ડની ડુપ્લીકેટ પ્રોડક્ટો બનાવતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. વધુમાં, તેમના ત્યાંથી ૨ નમૂના પૃથ્થકરણ અર્થે લઈ અને રૂ. ૩૦ લાખની કિંમતનો મુદ્દામાલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો તેમજ દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જરૂરી કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઇસમો પેકિંગ- પ્રિન્‍ટીંગ મટિરિયલ વગેરે મે. શ્લોક ઇંડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઇ પાસેથી પ્રિંટ કરાવીને મેળવતા હતા અને આ બાબતે કોઇ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા.
પ્રિન્સ ચાવલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *