Patan, Gujarat, Mar 29, ગુજરાત ના પાટણ ખાતે“ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર.”
કમિશનર ડો. એચ. જી. કોશિયાના આજે જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા તારીખ: ૧૦/૦૩/૨૦૨૫ના રોજ મે. રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ B-1 અને B-21, પાર્થ એસ્ટેટ (ક્રિષ્ના સ્કૂલની બાજુમાં), પાટણ ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં તપાસ દરમ્યાન સદર પેઢી ના જવાબદાર તરીકે મોદી રાકેશભાઈ મુકેશભાઈ નો નાં જાણવા મળતા તેઓનો સંપર્ક કરી સ્થળ પર રૂબરૂ હાજર થવા વારંવાર જણાવતા તેઓ સ્થળ ઉપર હાજર ન થતા ડી.ઓ. પાટણ દ્વારા જાહેર આરોગ્ય ના હિત માં ગોડાઉનમાં શકાસ્પદ ખાદ્યચીજ નો ઉત્પાદન થતી હોવાની બાતમી હોઈ તે અંગે પોલીસ માં જાણ કરી ગોડાઉન ને સીલ કરી પોલીસ સ્ટાફની પહેરેદારી માં સોંપેલ હતું.
તાજેતરમાં ઉક્ત પેઢીનાં જવાબદાર માલિક શ્રી રાકેશભાઈ મોદી હાજર થતા ડી ઓ, પાટણ, સાક્ષી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં ગોડાઉન ખોલવામાં આવેલ હતું. તપાસ દરમિયાન પેઢીમાં ખાદ્યચીજ ઘીનું ઉત્પાદન કરીને સંગ્રહ કરેલ માલૂમ પડેલ. તપાસ દરમિયાન પેઢીમાં “પામ કર્નલ ઓઈલ” નો જથ્થો માલુમ પડેલ હતો. તપાસ દરમિયાન પુછ્તાસ કરતા ઉકત ઘી બટર માંથી બનાવીએ છીએ પરંતુ બટર નો કોઈ જથ્થો માલુમ પડેલ ન હતો. પેઢીમાં ઘીની સાથે પામ કર્નલ તેલનો મોટો જથ્થો મળી આવેલ હોય પ્રાથમિક દ્રષ્ટીએ ઘીમાં તેલની ભેળસેળની શંકાના આધારે ઘીનાં અલગ અલગ પેક તથા બેચના ૧૦ અને તેલ નો ૦૧ એમ કૂલ ૧૧ નમૂનાઓ લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. બાકીનો કુલ જથ્થો ૧૭,૨૦૦ કિ.ગ્રા કે જેની પેક પર છાપેલ બજાર કિંમત મુજબ રૂ. ૧ કરોડ થી વધુની કિંમતનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નાગરીકો સુધી પહોંચતું અટકાવવામાં તંત્ર સફળ રહેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ અને તે અન્વયે ના રેગ્યુલેશનસ ના શિડ્યુલ-૪ ની જોગવાઇઓનું પાલન થતું ન હોઈ પેઢી ના લાયસન્સ તાત્કાલિક અસર થી સ્થગિત કરવામાં આવેલ છે. નમૂનાઓના પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ભય નો માહોલ વ્યાપી ગયો છે.
