Spread the love

Gandhinagar, Gujarat, Feb 19, ગુજરાત ના ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે લાંબા સમયથી આ વિસ્તારના વિકાસના કામોને અડચણરૂપ દબાણો મહાનગરપાલિકા દ્વારા એક ઝાટકે હટાવી દેવામાં આવ્યા છે. પોલીસ પ્રોટેશન સાથે દબાણ, ટાઉનપ્લાનિંગ અને એન્જિનિયરિંગ શાખા તેમજ આર એન્ડ બી તથા યુજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા કોઇપણ ભલામણોને ગ્રાહ્ય રાખ્યા વગર મોટાપાયે દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દબાણોને કારણે પેથાપુર વિસ્તારના વિવિધ વિકાસ કાર્યો અટકી ગયા હતા જેને હવે વેગ આપવામાં આવશે. દબાણો દૂર કરવામાં આવતા પેથાપુર વિસ્તારમાં રોડ, ડ્રેનેજ, પીવાના પાણી, રોડનું બ્યુટિફિકેશન, રોડ વાઈડનિંગ વગેરે જેવી સુવિધાઓ માટે માર્ગ મોકળો થશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ સદર દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યાર બાદ ડ્રાઈવ ચલાવીને આ દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અંદાજિત રૂપિયા ૪૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારના વર્ષો જૂના પ્રાણપ્રશ્નોનો અંત આવશે.
દબાણ હટવાના કારણે પેથાપુર ચોકડી પર ઓવરબ્રિજનું કામ સહલગ્ન માળખાગત સુવિધાઓ સાથે સંપૂર્ણ રીતે ગતિમાં પૂર્ણ થાય તે રીતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે માટે ડાયવર્ઝન અર્થે જરૂરી રસ્તા માટે પણ જરૂરી ટીપી અમલીકરણ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આ જ આક્રમકતા સાથે દબાણ દૂર કરવાની કામગીરી જારી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *