Gandhinagar, Gujarat, Mar 06, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનધિકૃત અને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા તરફ થી આજે જણાવવામાં આવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સેક્ટર-24માં આદર્શનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી કમ્પાઉન્ડ દિવાલોને તોડી રહી છે. આ કામગીરી આજે પણ ચાલુ રહી હતી.
આજે, સેક્ટર-24 જૈન મંદિર નજીકની 3 દુકાનો, લગભગ 20 ઘરોની આગળના વાડા, સેક્ટર-24 હરાજી શાક માર્કેટમાં લગભગ 30 કાચા દબાણો, અને સેક્ટર-30 ઝુલેલાલ મંદિર પાસેના ગેરેજ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્રણ ફોર-વ્હીલ વાહનો અને એક કેબિન જપ્ત કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન, નાગરિકોએ દબાણ દૂર કરવાની જરૂરિયાતને સમજીને મહાનગરપાલિકાની ટીમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. ઘણા રહેવાસીઓએ તેમના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. જેમણે સહકાર ન આપ્યો તેમના દબાણો મહાનગરપાલિકાની ટીમે દૂર કર્યા હતા.
એમણે જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ઝુંબેશનો હેતુ નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. લોકોના સહકારથી આ કામગીરી સફળ થઈ છે.
