Spread the love

Ahmedabad, Gujarat, Feb 07, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા સંચાલિત ‘મેરા યુવા ભારત’ (MY Bharat) અંતર્ગત દેશના યુવાનોને રાષ્ટ્રીય નીતિઓ અને આર્થિક માળખાથી માહિતગાર કરવાના હેતુથી ‘માય ભારત બજેટ ક્વેસ્ટ 2026’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.
સરકારી સૂત્રો ના આજે જણાવ્યા પ્રમાણે અમદાવાદ જિલ્લાના યુવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરી શકે તે માટે જિલ્લા યુવા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ કુમાર ઝવેરીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં કેન્દ્રીય બજેટ પ્રત્યે સમજણ કેળવવાનો છે. બજેટની જોગવાઈઓ સામાન્ય નાગરિકો માટે કેવી રીતે વધુ સુલભ અને ઉપયોગી બની શકે તે માટે યુવાનોના વિચારો જાણવા અને તેમને જાગૃત કરવા માટે આ એક મહત્વનું મંચ પૂરું પાડશે.
આ બૌદ્ધિક સ્પર્ધા કુલ ત્રણ જટિલ પરંતુ રસપ્રદ તબક્કાઓમાં વહેંચાયેલી છે: પ્રથમ તબક્કો (3 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી): આ તબક્કામાં યુવાનોએ mybharat.gov.in પોર્ટલ પર જઈ ઓનલાઈન ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. યુવાનોની સુવિધા માટે QR કોડ દ્વારા પણ નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
દ્વિતીય તબક્કો (17 ફેબ્રુઆરી થી 10 માર્ચ): ક્વિઝમાં સફળ થયેલા ઉમેદવારો માટે રાજ્ય સ્તરે 8 વિવિધ થીમ પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધાનું પરિણામ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
તૃતીય તબક્કો (12 માર્ચથી): અંતિમ તબક્કામાં પસંદ થયેલા તેજસ્વી યુવાનોને કેન્દ્રીય બજેટ 2026ના મુદ્દે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કરવાની અમૂલ્ય તક મળશે.
શ્રી પ્રિતેશ કુમાર ઝવેરીએ અમદાવાદ જિલ્લાના તમામ જાગૃત અને ઉત્સાહી યુવાનોને અપીલ કરી છે કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં આ સ્પર્ધામાં જોડાઈને દેશના આર્થિક વિકાસને સમજે અને જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરે.