Spread the love

Ahmedabad, Sep 29, Gujarat ના અમદાવાદમાં ગાંધીજ્યંતિ નિમિત્તે માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૭” નું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થા ‘માતૃભાષા અભિયાન’ વિવિધ પ્રકલ્પો ચલાવે છે. તે અંતર્ગત ‘ગોઠડી’નું આયોજન કરવામાં આવે છે.
એમણે જણાવ્યું કે ગાંધીજ્યંતિ નિમિત્તે માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૭”માં ચિંતનભાઈ ગાંધી વક્તા તરીકે મહાત્મા ગાંધીનો “એક લેખક, સંપાદક અને મુદ્રક (પ્રિન્ટર) સ્વરૂપે” પરિચય ૧ લી ઓક્ટોબર ૨૦૨૪, મંગળવાર ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, નવરંગપુરા, અમદાવાદ ખાતે આપશે.
ચિંતનભાઈ ગાંધીનો પરિચય: વિદ્યાપીઠના “દાંડીપથ હેરિટેજ મેનેજમેન્ટ સેલ” પ્રોજેક્ટના ઇન્ચાર્જ એવા યુવાન મિત્ર “ચિંતનભાઈ ગાંધી” હાલ એન.આઈ.ડી. માં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે “મ્યુઝિયમ એન્ડ એકઝીબિશન ડિઝાઇન” શિખવાડે છે અને પોતે એન.આઈ.ડી. માં જ કાર્ય કરે છે, ઉપરાંત તેઓ વિદ્યાપીઠમાં દાંડી વિશે સંશોધન કરી રહ્યા છે અને તેના માટે એકથી વધારે વાર પોતે દાંડી યાત્રા પણ કરી આવેલ છે. ગાંધીજીને સંલગ્ન અલગ અલગ વિષયને લઈને તેઓ આઈ. આઈ. એમમાં અનેક વખત તેમજ વિશ્વ પુસ્તક મેળામાં પણ વક્તવ્ય આપી આવ્યા છે.
ચિંતનભાઈ, ગાંધીજી ઉપર ડિઝાઇનરના દ્રષ્ટિકોણથી તેમની લખાયેલ તથા તેમના દ્વારા પ્રકાશિત કરાયેલ અનેક પુસ્તકોમાંથી ગાંધીબાપુના અનેક “ટાઈપફેસ” (એટલે સરળ ભાષામાં ફોન્ટ) નું અધ્યયન કરી રહ્યા છે અને આજના સમયમાં આપણે જેમ અલગ અલગ પોસ્ટર, વિષય અને વિગતોમાં અલગ અલગ મહત્ત્વ સમજીએ છીએ તેનો તે સમયે ગાંધીજી દ્વારા થયેલ ઉપયોગ ઉપર પુસ્તક લખી રહ્યા છે.
ગોઠડીમાં તેઓ, મહાત્મા ગાંધીનો અખબારો અને સામયિકો અને મુદ્રણ સાથે જે એક અનેરો સંબંધ રહ્યો છે તેની વેજિટેરિયન સોસાયટી નામક સામયિક સાથે ઇંગ્લેન્ડમાં જે શરૂઆત થઈ તેનાથી લઈને પછી આજીવન કેવી રીતે જોડાયેલો રહ્યો, તેમાં કેવા ઉતાર ચડાવ આવ્યા અને તેમાં સ્વચિંતનથી લઈને ભાષાઓના મહત્ત્વની વાત કરશે.