Spread the love

Gandhinagar, Oct 29, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગરની કચેરી દ્વારા વ્યક્તિના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ કરવા માટે વધુ બે નવી સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બે સેવા રાજ્ય સરકારના સાધારણ અને અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવશે, એમ સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી નિયામક ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર નામ, અટક બદલીને તાત્કાલિક અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે રૂ. ૨,૫૦૦ અને સાધારણ ગેઝેટમાં રૂ. ૧,૦૦૦ની નોન રિફન્ડેબલ રજીસ્ટ્રેશન ફી આપવાની રહેશે. અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે આવેલી અરજીઓ ત્રણ દિવસમાં અસાધારણ ગેઝેટના પાર્ટ-૨માં પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે સાધારણ ગેઝેટમાં દર ગુરુવારે નિયમિત રીતે પ્રસિદ્ધ કરાતા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં વિસંગતાઓ ઉભી થતી હોવાથી ઘણાં લોકો મુશ્કેલીમાં મુકાય છે આથી આ મુશ્કેલી દુર કરવાનો સરળ રસ્તો રાજ્ય સરકારે કર્યો છે. સરકારી ગેઝેટમાં જે નામ, અટક હોય તે સરકારી કચેરીઓમાં માન્ય રાખવામાં આવે છે. આ અંગેની વધુ માહિતી વેબસાઈટ https://egazette.gujarat.gov.in ઉપરથી મેળવી શકાય છે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.