~માનવ જીવનનું કલ્યાણ અને રાષ્ટ્રની આત્મનિર્ભરતા ‘પ્રાકૃતિક ખેતી’માં જ સમાયેલી છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
~રાજ્યપાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને ‘પ્રાકૃતિક ખેતી’ના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું
Ahmedabad, Gujarat, March 05, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે નિર્મિત નવ મંદિરો પૈકીના પાંચમા એવા ઐતિહાસિક જેતલપુરધામ ખાતે ભવ્ય ‘દ્વિશતાબ્દી મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામિનારાયણ મંદિર, જેતલપુરના 200માં મહોત્સવ (દ્વિશતાબ્દી) પ્રસંગે ઉપસ્થિત શ્રી દેવવ્રત એ આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારીના સંગમ પર ભાર મૂકતા એક પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનવ જીવન એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સર્વોત્તમ ભેટ છે અને તેનો અંતિમ ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્તિ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો શરીર સ્વસ્થ હશે તો જ મનુષ્ય ભક્તિ, સેવા કે રાષ્ટ્ર નિર્માણના કાર્યો કરી શકશે. તેમણે સમજાવ્યું હતું કે, સ્વસ્થ શરીર જ તમામ ધર્મ અને પુરુષાર્થ સિદ્ધ કરવાનું મુખ્ય સાધન છે. તેમણે સંસારને એક સીડી સાથે સરખાવતા કહ્યું કે, જેમ સીડીનો ઉપયોગ આગળ વધવા માટે થાય છે તેમ સંસારનો ઉપયોગ સાધન તરીકે કરીને આધ્યાત્મિક લક્ષ્ય સુધી પહોંચવું જોઈએ, તેમાં આસક્ત થવું જોઈએ નહીં.
રાજ્યપાલ એ રાસાયણિક ખેતીથી થતા ગંભીર નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષોમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ વધવાનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતું યુરિયા અને ડીએપી જેવું ઝેર છે. આ રસાયણોએ માત્ર જમીન જ નહીં, પણ ભૂગર્ભ જળ અને પશુઓના દૂધ સહિત માતાના દૂધને પણ પ્રદૂષિત કર્યું છે. વૈજ્ઞાનિક રિપોર્ટનો ઉલ્લેખ કરી ચેતવણી આપી હતી કે જો આપણે આજે નહીં સુધરીએ, તો આવનારી પેઢીને આપણે બંજર જમીન વારસામાં આપીશું.
રાજ્યપાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને ‘પ્રાકૃતિક ખેતી’ના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમણે સમજાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં અળસિયા પુનઃજીવિત થાય છે, જે જમીનને છિદ્રાળુ બનાવી વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે. જો ભારતને સાચા અર્થમાં આત્મનિર્ભર અને સ્વસ્થ બનાવવો હોય, તો આપણે આ ‘ઝેરમુક્ત’ ખેતી અપનાવવી જ પડશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતા પર્યાવરણ અને જળ સંચયના કાર્યોની પણ તેમણે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન લાલજી મહારાજ વ્રજેન્દ્રપ્રસાદ મહારાજશ એ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના રાજ્યપાલ ના પ્રયાસો સંપ્રદાયના મૂલ્યો સાથે સુસંગત છે. ‘શિક્ષાપત્રી’ના 200 વર્ષની ઉજવણી નિમિત્તે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદમાં 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધર્મધુરંધર આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ, મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદ મહારાજ, વ્યાસપીઠ વક્તા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી, સંતો મહંતો તેમજ મોટી સંખ્યમાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
