Gandhinagar, Oct 14, Gujarat ના રાજ્યપાલ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાના પ્રમુખ આચાર્ય દેવવ્રતએ રક્તદાન પ્રવૃત્તિમાં સમગ્ર દેશમાં અગ્રેસર ગુજરાત રેડક્રોસને આજે અભિનંદન આપ્યા.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા આજે રાજભવનમાં યોજાઈ હતી. આ બેઠકને સંબોધન કરતાં શ્રી દેવવ્રતએ કહ્યું કે, રેડક્રોસ સાથે જોડાયેલા સમાજના આગેવાનો માનવીય કર્તવ્યનું પાલન કરીને આ લોક અને પરલોક બંનેને ઉન્નત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે PM જનઔષધી કેન્દ્રોનું નેટવર્ક વિસ્તારીને રેડક્રોસ દ્વારા ગ્રામીણ નાગરિકોની સારી સેવા થઈ રહી છે.
સેવાનું મહત્વ સમજાવતાં શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, જેમણે પણ જન્મ લીધો છે, તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. ધન્ય એ છે, જે જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય સેવામાં વ્યતીત કરે છે. રેડક્રોસના માધ્યમથી સેવાકાર્ય કરી રહેલા લોકો અને રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ બંને એકમેકના સહયોગથી સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોનો સહારો બની રહ્યા છે. સેવાભાવથી સમાજનું કલ્યાણ કરી રહ્યા છે. આનાથી મોટું પુણ્ય કાર્ય બીજું એક પણ નથી. માનવતાની ભલાઈ જ જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ, એ જ કલ્યાણનો માર્ગ છે.
શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, સ્વાસ્થ્યના દરેક ક્ષેત્રમાં સેવા માટે રેડક્રોસ અગ્રણી છે. રોગી અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે રેડક્રોસ તત્પર છે. પરંતુ લોકોએ પણ બીમાર જ ન પડે તેનું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. સ્વચ્છંદી અને અનિયમિત જીવનશૈલી તથા ખાન-પાનથી બીમારી આવે છે. આહારની શુદ્ધતાથી જ શરીર અને મન સ્વસ્થ-શુદ્ધ રહે છે. શાસ્ત્રોને ટાંકીને તેમણે કહ્યું કે, જે હિતકારી છે એ જ ખાવું જોઈએ. શરીર અને પેટને જેટલી જરૂર હોય એટલું જ ખાવું જોઈએ, તથા ઋતુ પ્રમાણે ખાવું જોઈએ. તેમણે સૌને પ્રાકૃતિક આહાર અપનાવવાની હિમાયત કરી હતી. પ્રાકૃતિક પેદાશોનું ઉપયોગ વધશે તો માંગ ઉભી થશે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે તો લોકોનું સ્વાસ્થ્ય સુધરશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું હતું કે, આરોગ્ય વિભાગ અને રેડક્રોસ સોસાયટી ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. PM જન ઔષધી કેન્દ્રનું નેટવર્ક વિસ્તારવામાં રેડક્રોસનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. આવનારા સમયમાં સહયોગનો વ્યાપ વધશે અને આરોગ્ય વિભાગ તથા રેડક્રોસ સાથે મળીને જનતાને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ આપવા પ્રયત્નશીલ રહેશે.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 33 જિલ્લા શાખા અને 97 તાલુકા શાખા સાથે ગુજરાત રેડક્રોસ દેશની સૌથી શ્રેષ્ઠ શાખા છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ બ્લડ કલેક્શન અને સૌથી વધુ બ્લડ ડોનેશન ગુજરાતમાં થાય છે. ગુજરાત રેડક્રોસની ત્રણ શાખાઓને એન.એ.બી.એચ.નું પ્રમાણપત્ર મળી ગયું છે. રેડક્રોસની દરેક શાખાઓને આ પ્રમાણપત્ર મળે એ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને મહત્વની દવાઓ સાવ સસ્તા ભાવે મળે તે હેતુથી રાજ્યમાં વધુને વધુ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર શરૂ થાય તે માટે રેડક્રોસ પ્રયત્નશીલ છે. ગ્રામીણ વિસ્તારોમાં સેવા સહકારી મંડળીને પણ જન ઔષધી કેન્દ્ર બનાવવા Red cross મદદ કરી રહી છે.
શ્રી અજયભાઈ પટેલે કહ્યું કે, 33 જિલ્લાઓમાં 33,000 સ્વયંસેવકોની ટીમ તૈયાર થાય તે માટે રેડક્રોસ કાર્યરત છે. આ સ્વયંસેવકો કુદરતી કે માનવસર્જિત કોઈપણ પ્રકારની આપત્તિ વેળાએ મદદરૂપ થશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક લાખ બાળકો સ્વયંસેવક તરીકે તૈયાર થાય, એ પ્રકારનું રેડક્રોસનું આયોજન છે. ધીમે ધીમે પાંચ લાખ બાળકોને સ્વયંસેવક તરીકે તૈયાર કરવાનું આયોજન છે. જરૂરિયાતમંદ વ્યક્તિને એક કલાકમાં લોહી મળી જાય એવી વ્યવસ્થા સાથે કાર્યરત રેડક્રોસ માનવસેવાનું મંદિર બની ગયું છે.
આ અવસરે ગુજરાતમાં રેડક્રોસને સહયોગ આપનારા મહાનુભાવો, શ્રેષ્ઠ કાર્ય કરનાર રેડક્રોસની વિવિધ શાખાઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન કરાયું હતું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપાધ્યક્ષ ડૉ. અજયભાઈ દેસાઈએ એજન્ડા રજૂ કર્યો હતો. જ્યારે અંતમાં આભારવિધિ કોષાધ્યક્ષ સંજયભાઈ શાહે કરી હતી. આ અવસરે રેડક્રોસના જનરલ સેક્રેટરી ડૉ. પ્રકાશ પરમાર, જિલ્લા શાખાઓના પદાધિકારીઓ, અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.