Spread the love

Bhavnagar, Gujarat, Jan 26, ગુજરાતના ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિવસની આજે શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરઙફ થી જણાવવામાં આવ્યું કે આજે ૭૬ માં પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણીનો આરંભ શાળાની પૂર્વ વિદ્યાર્થીની અને કચ્છમાં ખેડોઈ કુમાર પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતી શિક્ષિકા મેનાબા કે. જાડેજાના વરદ હસ્તે ધ્વજારોહણ કરી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીની અને શિક્ષણ શાખા, ધ્રોલ તાલુકા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી નિધીબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે નવીન ઠાકોર, પ્રેમ ટોડલમર અને રાજેશ ઠાકોરે દેશ ભક્તિ ગીત રજુ કર્યા હતા. શાળાના રમતગમત શિક્ષક એલ.એન.વાઘેલાએ અનોખી શૈલીમાં ઉદઘોષણા કરી મ્યુઝીકલ સર્કલ બોલની રમત રમાડી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા તેમજ સામાન્ય વ્યક્તિની જેમ દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન અર્પણ કરી સમાજની મુખ્ય ધારામાં સમાવવા શેરડી ફોલ સ્પર્ધા તેમજ લોટના ગુંદલા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વાઘેલાભાઈએ વિદ્યાર્થીઓમાં શક્તિનો સંચાર કરવા ઉદઘોષણાના અવનવા રંગો પાથર્યા હતા. અતિથિવિશેષ નિધીબેન મકવાણાએ શાળા જીવનને યાદ કરી વિદ્યાર્થીઓને દરેક પ્રવૃતિઓમાં ભાગ લઇ પોતાના જીવન ઘડતરનું ભાથું બાંધવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી મેનાબા જાડેજાએ ચારેય સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રૂપિયા અગિયાર હજારનો રોકડ પુરસ્કાર અર્પણ કર્યો હતો. તેમજ ૭૬ માં પ્રજાસત્તાક દિવસની સ્મૃતિઓને મમળાવવા શ્રી નિધીબેન મકવાણાએ સૌ કોઈને મોં મીઠું કરાવી અલ્પાહાર કરાવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠક, શ્રી મેનાબા જાડેજા, શ્રી નિધીબેન મકવાણા, પૂર્વ આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયાના વરદ હસ્તે પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ જીવનમાં સફળ બનવા પ્રવૃત્તિમાંથી મળતો નિજાનંદ રૂપી રસ ચૂસતા ચૂસતા સફળતાની સીડી સુધી આગળ વધતા રહેવું જોઈએ તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જીવનની પ્રત્યેક ક્ષણે નવું શીખવાનું છે, નવું પામવા માટે શ્રમ કરવાનો છે. પરંતુ આ બધું કરતા કરતા નિજાનંદરૂપી રસ પીવા વ્યક્તિએ ઉર્જાવાન રહી જીવનને સજાવવાનું છે. વિદ્યાર્થી અવસ્થાની એક ઘટના તેમણે જણાવ્યું હતું કે નાના મોટા સંઘર્ષો કે અવરોધોથી હારી થાકી દુર ભાગવાનું નથી પરંતુ તેની સામે ઝઝુમતા ઝઝુમતા સફળતાના શિખર સુધી પહોંચવાનું છે. આજ જીવનનો ખરો સંદેશ છે. એટલા માટે આજે શેરડી ફોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વ્યક્તિને મુશ્કેલી ન પડે એવા અનેક સંસાધનો આવ્યા છે. શેરડીને વગર મહેનતે ખાય શકાય તેવા કટરો આવે છે પરંતુ સાચી મોજ શેરડી ફોલીને ખાવામાં છે. જેમ પરિશ્રમથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે તેમ મોં દ્વારા ફોલાયેલી શેરડીમાંથી રસ દ્વારા અમૃત પ્રાપ્ત થાય છે. દરેક કાતળીના અંતે આવતી ગાંઠ વિધ્નદોડમાં મુકાયેલો અંતરાય છે. જે કુશળતાપૂર્વક અંતરાયને ઓળંગી જાય છે તે જીતી જાય છે. જિંદગીની બાજી જીતવા તદ્દન નવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હું માનું છું કે વિદ્યાર્થીઓ તેને એક જીવન સંદેશ સમજી પોતાના જીવનમાં ઉતારશે.
આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત આચાર્ય શ્રી આઈ.જી.ગોહિલ સાહેબે કર્યું હતું. જ્યારે આભારદર્શન મદદનીશ શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રી વાણીશ્રીબેન અજવાળીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *