Ahmedabad, Gujarat, Feb 14, ગુજરાતના અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા આજરોજ આગવી પહેલ તરીકે અને ‘પુસ્તકપ્રેમ પર્વ’ શિર્ષક તળે એક સમૂહ વાંચન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેમ્પસમા આવેલ મધ્યસ્થ ગ્રંથાલય ખાતે તથા યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજો અને ગુજરાતની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એકસાથે આજે બપોરે 1020 વાગ્યે યોજવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. તે દિવસે પ્રેમને મહત્વ આપવામાં આવે છે. આ દિવસે પ્રેમ મનુષ્ય ઉપરાંત પુસ્તકને પણ કરી શકાય એવો આગવો, વિશિષ્ટ અને મૌલિક સંદેશો યુવાઓ સુધી પહોંચાડવા માટે તા.14મીએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા આ સમૂહ વાંચનનું આયોજન કરવામાંઆવ્યું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેમ્પસના અલગ અલગ સેમીનાર હોલમાં વિદ્યાર્થીઓએ, વહીવટી ભવનમાં તમામ કર્મચારીઓએ આ વાંચનયાત્રામાં ભાગ લીધો હતો.નવનિયુક્ત ગ્રંથપાલ ડૉ .મહેશ સોલંકીએ દરેક વિદ્યાર્થીને અને દરેક કર્મચારીને સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક ભેટ આપ્યું હતું.
નવી ભાત પાડતો આ કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.રાજુલ કે. ગજ્જર અને કુલસચિવ ડો. કે.એન. ખેરનાં સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડો.ખેરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ ઇનોવેટિવ યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીના મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ ગુજરાતમાં પ્રથમ ઇનોવેટિવ કાર્યક્રમ છે. આવો સમૂહ વાંચનનો કાર્યક્રમ કોઈ યુનિવર્સિટીના ગ્રંથાલય મારફતે થયો નથી.કુલસચિવે આ આયોજન માટે લાઇબ્રેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ગ્રથપાલ ડો.મહેશ સોલંકીએ દરેક વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને ગ્રંથાલયમાં વાંચવા આવવા માટે આહવાન કર્યું હતું તથા ઉમેર્યું હતું કે પુસ્તકપ્રેમ થકી વિશ્વ સર કરી શકાય એવી તાકાત પુસ્તકમાં છે. આ કાર્યક્રમમાં સમગ્ર જી.ટી.યુ.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. પંકજરાય પટેલ, બાયોટેકનોલોજી વિભાગના નિયામક ડો. વૈભવ ભટ્ટ, ઈજનેરી વિભાગના કાર્યકારી નિયામક ડૉ. જીગ્નેશ અમીન એસોસિયેટ પ્રોફેસર ડૉ. કોમલ બોરીસાગર, આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન ચિંતન વસાવા, લાઇબ્રેરી આસિસ્ટન્ટ હિના પરમાર, નિર્મલા પંડિત આ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમને સફળતા બક્ષી હતી.
