Ahmedabad, Oct 08, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની ૨૩ વર્ષની વિકાસયાત્રાની સફળતાની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (G.T.U.)માં આજે ઉજવણી કરવામાં આવી.
GTU તરફથી આજે જણાવવામાં આવ્યું કે શ્રી મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો એક કાર્યક્રમ આજરોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં યોજાયો હતો.
પ્રારંભમાં કાર્યક્રમની ભૂમિકા બાંધતાં યુનિવર્સિટીના કુલસચિવ ડો.કેએન.ખેરે રાજકારણ અને રાજનીતિનો ભેદ સમજાવીને ઉત્તમ રાજનીતિજ્ઞ તરીકે કૃષ્ણનું ઉદાહરણ આપ્યું હતું.તેમજ નરેન્દ્ર મોદીએ સર્જેલા વિકાસનાં પંથની વાત કરી હતી.કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જરે સને 2001થી શરૂ થયેલા વિકાસના નક્કર અને રોજબરોજ દેખાતા કાર્યોનો ઉલ્લેખ કરીને તે વિકાસનો પંથ જાળવી રાખવાની અને એ વિકાસને આગળ ધપાવવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની અને જરૂરી સુવિધાઓ તથા તક પુરી પાડવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
પ્રાસંગિક પ્રવચન બાદ યુનિવર્સિટીના એન.એસ.એસ.કો ઓર્ડિનેટર ડો.ભરત વાઢિયાએ સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં સૌને જોડીને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવડાવી હતી.જેમાં દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની નીચે અનુસારની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા ‘હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે, મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ’.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનાં આયોજનની વિગતો શારીરિક શિક્ષણ નિયામક ડો.આકાશ ગોહિલે આપી હતી.
