Ahmedabad, Sep 06, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી GTU)ના પ્રોફેસરોને અપાતો છઠ્ઠો ટેક-ગુરુ એવોર્ડ આપવાનો સમારંભ સ્વતંત્ર ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા શિક્ષક દિન નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો હતો.
GTU તરફ થી જણાવવામાં આવ્યું કે પોતાના ક્ષેત્રમાં ઉજ્જવળ અને નેત્રદીપક પ્રદાન કરનારાઓને અપાતાં આ એવોર્ડ માટે કુલ 62 દરખાસ્ત એન્જિનિયરિંગ , ફાર્મસી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એપ્લીકેશન અને એપ્લાઇડ સાયન્સ ફેકલ્ટીમાંથી યુનિવર્સિટીને મળી હતી.આ પૈકીના ત્રણ જુદા જુદા વિભાગનાં પ્રોફેસરની આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો સંશોધન,પ્રકાશન,પેટન્ટસ, પ્રોજેક્ટ,ઉદ્યોગ સહયોગીતા અને સમાજસેવા ક્ષેત્રે કરેલા ઉત્તમ પ્રદાન બદલ અપાતો આ ગૌરવવંતો એવોર્ડ મેળવવાનું સદ્દભાગ્ય પ્રા.ડો.એન.એમ.ભટ્ટ(એન્જિનિયરિંગ), ડો.ક્રિશ્નાબા વાઘેલા (મેનેજમેન્ટ) અને ડો.મુકેશ ખેર( ફાર્મસી)ને પ્રાપ્ત થયું હતું.આ ઉપરાંત આ પ્રસંગે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના નિવૃત થયેલા નવ આચાર્યો, વિભાગના અધ્યક્ષો તથા પ્રાધ્યાપકોનું પણ આ પ્રસંગે તેમનાં ઈજનેરી ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે આઈ.આઈ. આઈ.ટી.વડોદરાના નિયામક ડો.ધર્મેન્દ્ર સિંઘે ‘ચાય પે ચર્ચા અને વિદ્યાર્થીઓના ઘડતરમાં પ્રાધ્યાપકોનો ફાળો’ એ વિષય પર ચાવીરૂપ સંબોધન કર્યું હતું.કુલપતિ ડો.રાજુલ ગજ્જરે શિક્ષકનું શું મહત્વ છે એ ઉત્તમ રીતે સમજાવ્યું હતું જ્યારે કુલસચિવ ડો.કે.એન.ખેરે વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિકાસમાં પ્રાધ્યાપકોનો કેવો કિંમતી ફાળો હોય છે તેની વાત કરી હતી.સમારોહના અંતે યુનિવર્સિટીના મદદનીશ કુલસચિવ ડો.તુષાર તાંબડિયાએ આભારવિધિ કરી હતી.