Gandhinagar, Gujarat, Jan 12, ગુજરાત ની સરકારી હોસ્પિટલમાં હવે સારવારની સાથે સરભરાનો આયામ પણ વિકસાવાયો છે.
આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ સાથે હોસ્પિટાલિટીનો અનુભવ થાય ત્યારે ગરીબ દર્દીઓ એમ ચર્ચા કરવા લાગે છે કે “સરકારી હોસ્પિટલમાં આવીને આપણે સાચો નિર્ણય લીધો.
ઘણા ઓછા ખર્ચે અહીં ઉમદા સારવાર મળે છે અને સરભરા પણ સારી કરવામાં આવી રહી છે….”
રાજ્યની કેટલીક ખાનગી હોસ્પિટલ અને કોર્પોરેટ સેક્ટરમાં વયસ્કો માટે જે સ્પેશિયલ કેર ઉપલબ્ધ હોય છે, તેવી જ સુવિધાઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાઇ છે .
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂન ૨૦૨૪માં ૬૫થી વધુની વયના વયસ્કો માટે શરૂ કરાયેલો ‘સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ’ ખરા અર્થમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વયસ્ક દર્દીઓ માટે સ્પેશિયલ જીરીયાટ્રીક કેર ઉપલબ્ધ કરાવવા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં માટે અલગથી કેસ બારી રાખી તેમને પ્રાથમિકતા આપવા અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.
જેના પગલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા જૂન ૨૦૨૪માં એક નવીનતમ પહેલ કરી સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષની સેવાઓ વયસ્ક દર્દીઓની તકલીફોને ધ્યાનમાં રાખી તેમને તમામ સેવાઓમાં પ્રાથમિકતા મળે તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી રહી છે.
આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આજથી છ મહીના પહેલા શરૂ કરવામાં આવેલી આ સેવા વયસ્ક દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે .
આજદિન સુધી ૧૦,૩૪૧ જેટલા સિનિયર સિટીઝન દર્દીઓ આ સેવાનો લાભ લઇ ચૂક્યા છે, જેમાં ૪૧૬૯ મહિલા અને ૬૧૭૨ પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ઉક્ત સેવાનો લાભ લેનાર દર્દીઓમાં ૮૫થી ૯૦ વર્ષની ઉંમરના ૧૨૫ જેટલા દર્દીઓ તેમજ ૯૦ વર્ષ કરતાં વધુ ઉમરના ૧૦૦ જેટલા દર્દીઓ છે.
શું સુવિધાઓ છે ઉપલબ્ધ: આ સિનિયર સિટીઝન કક્ષમાં વૃદ્ધ દર્દીઓને આરામથી બેસવાની, તેમના અલાયદા કેસ રજિસ્ટ્રેશન ડેસ્કની, પીવાના સ્વચ્છ પાણી તેમજ ટોઇલેટની સાથે જે તે વિભાગના ડૉક્ટરને બતાવવા જવા માટે વ્હીલચેર તેમજ ટ્રોલીની સાથે એક અલગથી અટેન્ડન્ટ મોકલવાઔ તેમને સારવાર તેમજ તપાસમાં પ્રાથમિકતા આપવામાં આવે તે પ્રમાણેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.