સૂરત, 18 જુલાઈ, ગુજરાતના સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો રાજ્યની એ.ટી.એસએ પર્દાફાશ કરી રૂ ૫૧.૪૦૯ કરોડ કીમત નુ મેફેડ્રોન જપ્ત કરેલ છે.
એ.ટી.એસ.ના સૂત્રોએ આજે જણાવ્યું કે બાતમી હકીકત ના આધારે કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ૪ કિલો મેફેડ્રોન તથા ૩૧.૪૦૯ કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂ. ૫૧.૪૦૯ કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ રેડ દરમ્યાન બે ઈસમો સુનીલ રાજનારાયણ યાદવ ઉ.વ.૨૮ રહે.૫૦૨, બી-૨, વીંગ, દેવ તપોવન, વાપી અને વિજયભાઇ જેઠાભાઇ ગજેરા ઉ.વ.૩૮ રહે.બી/૩૦૧, હરીવીલા રેસીડેન્સી, સાંવલીયા સર્કલ, યોગીચોક, વરાછા, સુરત ની અટકાયત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત પકડાયેલ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, તેઓ બન્નેએ તથા હરેશભાઇ કોરાટ નાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનુ શરૂ કરેલ છે. અને અગાઉ એક કન્સાઇન્મેન્ટ ૪-કિલોનું બનાવીને મુંબઇના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપેલ છે. આ કામ માટે તેઓએ આ પતરાંનો શેડ રૂ.૨૦,૦૦૦/-ના માસિક ભાડાથી રાખેલ હતો. વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છે તથા સુનિલ યાદવ કેમીકલ ટ્રેડીંગના ધંધા સાથે જોડાયેલ છે અને તેઓ આ મેફેડ્રોન બનાવવાનું ઓનલાઇન વિડીયો જોઇને શીખેલ હોવાનું જણાવે છે. પતરાના શેડવાળી ફેકટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે રેડ કરી સીલ કરેલ છે. આ કામે એ.ટી.એસ. ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સમગ્ર ઓપરેશનમાં સુરત એસ.ઓ.જી. તથા વલસાડ એસ.ઓ.જી. મદદમાં રહેલ. તેમજ આરોપી હરેશ કોરોટને જુનાગઢ એસ.ઓ.જી.ની મદદથી પકડી પાડવામાં આવેલ છે તેને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે.