Spread the love

Ahmedabad, Gujarat, Mar 30, ગુજરાત નાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટીચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી પટેલએ ચેટીચંડ શોભાયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટીચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ચેટીચંડની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પણ થઈ રહ્યો છે. આજનું પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી તેમજ પુરૂષાર્થનો પરિચય કરાવે છે. સિંધી સમાજ આફતને અવસરમાં પલટાવી દેનારો પરિશ્રમી સમાજ છે. સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે. એટલું જ નહિ, એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સિંધી સમાજની સફળતાનો પરચમ ન લહેરાતો હોય એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સિંધી સમાજ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, સિંધથી આવીને ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ બનાવનારા સિંધી સમાજની ઓળખ અને ભાષા ભલે સિંધી હોય પણ આ સમુદાયના લોકો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક પર્વના આવા સામુહિક આયોજનથી ઈતિહાસ અને પરંપરાઓ સાથે જોડાવાનો અવસર નવી પેઢીને પણ મળે છે. એટલું જ નહીં વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા સાથે ભવિષ્યનો પણ વિચાર કરીને ‘કેચ ધ રેઈન’,’એક પેડ માં કે નામ’, અને સ્વચ્છ ભારત અભિયાનો શરૂ કર્યા છે. આ તમામ અભિયાનમાં સિંધી સમાજ સક્રિય થાય તેવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચંડ શોભાયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, સર્વે ધારાસભ્યઓ, કાઉન્સિલરઓ તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *