Spread the love

ગાંધીનગર, 21 જુલાઈ, ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો ઉપરાંત, ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. એમાં પણ કેરીના ઉત્પાદનમાં, ને ખાસ કરીને કેસર કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું રાજ્ય છે.
ગુજરાતના અર્થતંત્રમાં કેરી ઉત્પાદનનો મહત્વપૂર્ણ ફાળો છે. ગુજરાતની કેરીની વિદેશોમાં પણ ખૂબ માંગ છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (GAIC)ના ડેટા અનુસાર, વર્ષ 2023-24માં ગુજરાતમાંથી 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી છે. વર્ષ 2019-20 થી વર્ષ 2023-24 સુધીના પાંચ વર્ષોમાં ગુજરાતે કુલ 2500 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી છે.
ગુજરાતમાં બાગાયતી ફળ અને ફૂલોના પાકોનો કુલ વાવેતર વિસ્તાર 4,49,389 હેક્ટર છે, જે પૈકી 1,77,514 હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે આ કેરીને જીઆઇ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલ છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. કેસર ઉપરાંત, રાજ્યમાં મુખ્યત્વે હાફુસ, રાજાપુરી, તોતાપુરી, સોનપરી વગેરે જેવી કેરીની જાતો ઉગાડવામાં આવે છે.
બાવળા સ્થિત ગામા ઇરાડિયેશન પ્લાન્ટ ખાતે લગભગ 210 મેટ્રિક ટન કેસર કેરીનું ઇ-રેડિયેશન અને નિકાસ: અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે આ વર્ષે લગભગ 210 મેટ્રિક ટન કેસર કેરીનું ઇરાડિયેશન કરીને તેની વિદેશોમાં નિકાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાવળા સ્થિત આ યુનિટ ગુજરાતનું પહેલું અને ભારતનું ચોથું USDA-APHIS સર્ટિફાઇડ ઇ-રેડિયેશન યુનિટ છે. ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ 2 લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી.
આ યુનિટ સ્થપાયું તે પહેલા, ગુજરાતના કેરીની ખેતી કરતા ખેડૂતોને મુંબઈ જઇને કેસર કેરીનું ઇરાડિયેશન કરાવવું પડતું, અને પછી તેઓ કેરીની નિકાસ કરતા, જેમાં કેરીનો બગાડ પણ થતો અને પરિવહન ખર્ચમાં પણ વધારો થતો. પણ હવે બાવળા ખાતે ઇરાડિયેશન પ્લાન્ટ સ્થાપિત થવાથી ખેડૂતો હવે અમદાવાદ ખાતે જ કેરીઓનું ગામા ઇરાડિયેશન કરાવીને કેરીની નિકાસ કરે છે, અને તેમના પાકનો ઉત્તમ ભાવ પણ મેળવે છે.
ઇન્ડો-ઇઝરાયેલ વર્ક-પ્લાન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ખાતે નિર્મિત સેન્ટર ઓફ એક્સેન્સ ફોર મેન્ગો ખાતે ખેડૂતોને કેરીના પાક માટે ટેક્નિકલ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, ખેડૂતોને ઘનિષ્ઠ ખેતી અને નવીનીકરણ માટેની તાલીમ અને એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવવા અંગેની ટેક્નિકલ જાણકારી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2601 ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે, તેમજ 9382 જેટલી કલમોનો ઉછેર કરીને ખેડૂતોને તેનું વેચાણ કરેલ છે.
બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલી છે જેમાં આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો માટે, વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય, બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં 90% સહાય ઉપરાંત ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય આપવામાં આવી રહી છે. બાગાયત ખાતા દ્વારા કેરીની ખેતી કરતા ખેડૂતોને કેરીના વાવેતર માટે અંદાજે ₹15.29 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે