Gandhinagar, Nov 07, Gujarat ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના ખાસ સંવેદનશીલ મિશન ‘મિલાપ’ની પ્રશંસા કરી વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે છેલ્લા ૧૬ વર્ષથી લાપતા બાળકો સહિત પુખ્ત વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે ‘મિલાપ’ કરાવવા માટે વલસાડ પોલીસ દ્વારા ખુબ જ સંવેદનાસભર એક ખાસ ‘મિશન’ શરૂ કરવામાં આવ્યુ હતું. આ ખાસ અભિયાન ‘MILAAP- Mission For Identifying & Locating Absent Adolescents & Persons’ અંતર્ગત વલસાડ પોલીસ દ્વારા ૧૦ મહિનામાં ૪૦૦ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવી આ તમામ ઘરોમાં સ્મિતને પુન: જીવીત કર્યુ છે.
ગુમ કે અપહરણ થયેલા વલસાડ જિલ્લાના વ્યક્તિઓ પૈકી મળી આવેલા ૪૦૦ વ્યક્તિઓમાં ૭૬ સગીરા અને ૩૬ સગીર બાળકો મળી ૧૮ વર્ષથી નાના ૧૧૨ બાળકોનો સમાવેશ થાય છે.
શ્રી સંઘવીએ વલસાડ પોલીસે લાપતા કે અપહ્યુત વ્યક્તિઓને સ્વજન સુધી મેળાપ કરાવી દેવા માટે શરૂ કરેલા આ સરાહનિય અભિયાનની પ્રશંસા કરી સમગ્ર અભિયાનમાં સંવેદના સાથે કામ કરનાર વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચનાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી-૨૦૨૪થી શરૂ કરવામાં આવેલા આ મિશન મિલાપ અંતર્ગત વલસાડ જિલ્લા એમ.ઓ.બી શાખા દ્વારા ૧૬ વર્ષથી ગુમ કે અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ જે તે સમયની તમામ જુની ફાઇલો ઓપન કરી સંલગ્ન પોલીસ મથકના અમલદારો સાથે કેસની ચર્ચા કરીને શોધખોળ માટે સંવેદના સાથે કામગીરી શરુ કરી. બીજી તરફ લાપતા લોકોના પરિવારના સભ્યોનો સંપર્ક કરી ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી.
ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ થનાર બાળકો તથા વ્યકિતઓ ગુજરાત રાજ્ય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ તમામ કિસ્સાઓમાં સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જે-તે રાજ્યમાં સરપંચો, ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજ્યોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સઘન અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.
આ અભિયાનમાં જાન્યુઆરીથી ઓકટોબર-૨૦૨૪ દરમિયાન ૧૦ માસના ટુંકા સમયગાળામાં ગુમ/ અપહરણ થયેલા કુલ-૧૧૨ બાળક/બાળકીઓ તથા ૧૮૨ મહિલા-૧૦૬ પુરૂષ એમ કુલ-૨૮૮ પુખ્ત વ્યક્તિઓ મળીને કુલ-૪૦૦ લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે.