Gandhinagar, Gujarat, March 13, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજી ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં આજે યોજવામાં આવી હતી.
શ્રી પટેલએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઈપલાઈન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કનેક્શન આપી દેવાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠામંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠો (પીએનજી)ના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ કે દાસ, મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, જીએસપીસીના એમડી અવંતિકા સચિવ અને મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાતં પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
