Ahmedabad, Gujarat, Dec 23, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યગ્રંથ ‘હીરવિજયસૂરિરસ’ વિશે સાહિત્યકાર હૃષીકેશ રાવલે અને જૈન સાહિત્યસર્જક મંગલમાણિક્ય મુનિના જૈનસાહિત્યગ્રંથ ‘અંબડ વિદ્યાધર રાસ’ વિશે સાહિત્યકાર અભય દોશીએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે શાસનસમ્રાટ ભવન,ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું હાલ માં જ આયોજન કરવામાં આવ્યું છે.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક શ્રાવક કવિ ઋષભદાસના જૈન સાહિત્યગ્રંથ ‘હીરવિજયસૂરિરસ’ વિશે સાહિત્યકાર હૃષીકેશ રાવલે અને જૈન સાહિત્યસર્જક મંગલમાણિક્ય મુનિના જૈનસાહિત્યગ્રંથ ‘અંબડ વિદ્યાધર રાસ’ વિશે સાહિત્યકાર અભય દોશીએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
હૃષીકેશ રાવલ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મના ઇતિહાસમાં સત્તરમી સદીનો પૂર્વાર્ધ જેમના પ્રભાવી નામથી હૈરકયુગ તરીકે ઓળખાય છે તેવા આચાર્યશ્રી હીરવિજયસૂરિ જૈન ધર્મ અને સાહિત્યના જ્યોતિર્ધર છે. જેમણે મુઘલ સમ્રાટ અકબરને પણ ઉપદેશ આપીને તેની પાસે અનેક જીવહિંસા પ્રતિબંધના કાર્યો કરાવ્યાં હતાં અને અકબરે એમને ‘જગતગુરુ’ના ઉપનામથી નવાજ્યા હતા. જેમની પ્રશસ્તિ કરતી અસંખ્ય સાહિત્યિક રચનાઓ જૈન ધર્મમાં રચાઇ છે.
જેના અનુસંધાને શ્રાવક કવિ ઋષભદાસે પણ કુલ ૩૧૩૪ પંક્તિમાં ‘હીરવિજયસૂરિરાસ’ની રચના કરી હતી. જેમાં એમણે આચાર્યશ્રીના જન્મથી નિર્વાણ સુધીની સમગ્ર ઘટનાઓનું સુંદર વર્ણન કર્યું છે. જે જૈન ધર્મના ઇતિહાસમાં દસ્તાવેજ રૂપ કૃતિ ગણાય છે
અભય દોશી : ‘અંબડ વિદ્યાધર રાસ’ એ ગુજરાતી સાહિત્યની એક મહત્વપૂર્ણ સાહિત્યકૃતિ છે. જેના કલ્પનાવૈભવથી આકર્ષાઈ પ્રસિદ્ધ સાહિત્યકાર બ.ક.ઠાકોરે 30 વર્ષની મહેનતથી સંપાદન કર્યું હતું. આ કથાના યોગિની દ્વારા અંબડને સાત વસ્તુઓ લાવવાનો આદેશ આપવામાં આવે છે. આ દરેક વસ્તુ લાવવામાં અંબડને જે પુરુષાર્થ કરવો પડે છે, તેમ જ તેના જીવનમાં વિવિધ ચમત્કારો સર્જાય છે. તેની રસભરી કથા આ રાસમાં આલેખાઈ છે. અંતે અંબડ સુલસાને મળે છે ત્યારે સુલસાની દ્રઢ ધર્મશ્રદ્ધાથી પ્રભાવિત થાય છે.