અમદાવાદ, 07 ઓગસ્ટ, અમેરિકામાં અશોકભાઈ પટેલે તેમના માતાની યાદમાં છોડ રોપી ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સમર્થન આપ્યું છે.
સરકારી સૂત્ર વિવેકભાઇએ આજે જણાવ્યું કે મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના ડલાસ ખાતે સ્થાયી એવા સ્વાતંત્ર્ય સેનાની દંપતી સ્વ. ગોકળદાસ પટેલ અને સ્વ. લલિતાબહેન પટેલના સંતાન અશોકભાઈ પટેલે મુખ્યમંત્રીના પ્રકૃતિ પોષક અભિયાનને ડલાસથી સમર્થન આપ્યું છે. તેમણે ડલાસ સ્થિત તેમના નિવાસસ્થાને તેમના માતાની યાદમાં છોડ રોપી અમેરિકામાં વસતા તમામ ભારતીયો અને ગુજરાતીઓ આ અભિયાનમાં જોડવાનો સંકલ્પ લીધો છે.
તેમના અનુસાર શ્રી અશોકભાઈ જણાવે છે કે, ભારતીય માટીની સુગંધ પ્રસરાવતા આવા અભિયાનોથી વિદેશની ધરતી પર ભારતીયો અને ગુજરાતીઓનું ગૌરવ વધે છે. જેથી અમેરિકામાં વસતા NRI અને NRG નાગરિકોને પણ તેમના માતાના સન્માનમાં આ અભિયાનમાં જોડવાનો અમારો સંકલ્પ છે. મુખ્યમંત્રીનો આ પ્રકૃતિપોષક અભિગમ ખરેખર સ્તુત્ય છે. જેનાથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગ્રીન કવર વધશે અને સરવાળે નાગરિકોનું જીવનધોરણ સુધરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિવેકભાઇએએ જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી આઝાદીના આંદોલનમાં જોડાયેલા ગુજરાતીઓ પૈકી દંપતી શ્રી ગોકળદાસભાઈ અને લલિતાબહેન પ્રથમ પંક્તિમાં સામેલ હતા. શિક્ષણ અને સમાજ સુધારા માટે પણ તેમનું યોગદાન અનન્ય છે. જેને પગલે તેમના સુપુત્ર અશોકભાઈ અને સમગ્ર પરિવારને રાષ્ટ્રભાવના વરસામાં મળી છે, તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. આમ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો થકી ‘એક પેડ મા કે નામ’ અભિયાન વસુધેવ કુટુંબકમની તર્જ પર દુનિયાભરમાં વિસ્તરી રહ્યું છે અને દુનિયાભરના નાગરિકોને પ્રેરણા આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિય વૃક્ષ વડની સંખ્યા વધારવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી અભિયાન ‘એક પેડ મા કે નામ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને રાજ્ય અને દેશના સીમાડાઓને પેલે પાર વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે.