અમદાવાદ, 20 જુલાઈ, ગુહરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોર્ડન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ કર્યા હતા.
શ્રી પટેલનું મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ અવસરે નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણનું કામ દાતા કનૈયાલાલ ત્રિભુવનદાસ ઠકકર મારફતે મળેલા લોકફાળાથી કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત ભવનના આ નવીનીકરણ માટે અંદાજિત રૂ. ૨૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ખોડિયાર ગામમાં રૂ. ૬ લાખ ૨૦ હજારના ખર્ચે તૈયાર કરાયેલી મોર્ડન સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર-૧નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગામના પૂર્વ સરપંચ શ્રી બાદરજી ઠાકોરે આ આંગણવાડી કેન્દ્રના નવીનીકરણ કરવા માટે ૧ લાખ ૨૦ હજાર રૂપિયાનું દાન આપેલું છે.
આ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, દસક્રોઈ તાલુકાના પદાધિકારી, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.