~Chief Election Commissioner Gyanesh Kumar said India’s election system is a transparent and robust example of the world’s largest democracy during an interaction at AMA Ahmedabad.
Ahmedabad, Gujarat, Sep 10 (VNI): મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુરુવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહીને સફળતાપૂર્વક ધબકતી રાખતી વિશાળ, પારદર્શક અને સુવ્યવસ્થિત વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ‘Conducting Elections in India – The Largest Democracy in the World’ વિષય પર પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજાયેલા વિશેષ સંવાદમાં તેમણે ભારતની ચૂંટણી પ્રક્રિયાની વિશાળતા અને તેના વિવિધ પાસાંની વિસ્તૃત સમજ આપી હતી. શ્રી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આશરે 90 કરોડ મતદારો ધરાવતા દેશમાં લોકસભાની ચૂંટણીનું આયોજન વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે અને સામાન્ય ચૂંટણી દરમિયાન આશરે 1.8 કરોડ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાય છે.
જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય ત્રણ તબક્કામાં મતદાર યાદીની તૈયારી, મતદાન અને મતગણતરીનો સમાવેશ થાય છે. દેશમાં આશરે 12 લાખ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરે છે. દરેક પાત્ર વ્યક્તિ મતદાર બને અને કોઈપણ અયોગ્ય વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન રહે તે ચૂંટણી વ્યવસ્થાનો મૂળભૂત ઉદ્દેશ છે.
તેમણે જણાવ્યું હતું કે મતદાર યાદીથી લઈને મતદાન અને મતગણતરી સુધીના વિવિધ તબક્કે રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓની સહભાગિતા રહે છે. મતદાન પહેલાં ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં EVMનું મોક પોલ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે EVM ઈન્ટરનેટ, Wi-Fi કે Bluetooth સાથે જોડાયેલું નથી અને મશીનની ચકાસણી બાદ જ વાસ્તવિક મતદાન શરૂ થાય છે.
મતદાન પૂર્ણ થયા બાદ Form-17Cમાં પડેલા કુલ મતોની નોંધ કરવામાં આવે છે અને EVMને નિર્ધારિત પ્રક્રિયા મુજબ સીલ કરવામાં આવે છે. મતગણતરી દરમિયાન પણ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં EVMના પરિણામની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયા ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે.
ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીના વધતા ઉપયોગ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વિશાળ ચૂંટણી તંત્ર વચ્ચે ઝડપી અને અસરકારક સંચાર માટે ECI Net જેવા એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી કરવા તથા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી લઈને લોકસભા, રાજ્યસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સુધીની સમગ્ર પ્રક્રિયા બંધારણીય માળખા અને નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા હેઠળ હાથ ધરવામાં આવે છે. વિશાળ ભૌગોલિક વિસ્તાર, કરોડો મતદારો અને વિશાળ માનવબળ વચ્ચે ચૂંટણીનું સુવ્યવસ્થિત સંચાલન ભારતની લોકશાહીની વિશિષ્ટ ઓળખ છે.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળે, AMAના પ્રેસિડેન્ટ રાજીવ ગાંધી, રિન્કેશ પટેલ, યોગેશ ઠક્કર સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ, AMAના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Gyanesh Kumar, Chief Election Commissioner, Election Commission of India, Indian Election System, EVM, Voter List, Democracy, Ahmedabad, AMA, Gujarat Elections, India election system, Gyanesh Kumar, world’s largest democracy, Election Commission of India, EVM transparency, Indian elections, VNINews, VNINews.com
