Ahmedabad, Sep 30, Gujarat ના અમદાવાદમાં જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્રરાસ’ વિશે વક્તવ્ય આયોજિત કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પ. પૂ. આ.શ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દસંપદા’ કાર્યક્રમ અંતર્ગત જૈન સાહિત્યસર્જક અમૃતકલશ-કૃત જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ વિશે પ્રો. પિંકી પંડયાએ અને જૈન સાહિત્યસર્જક ઉદયભાનુ-કૃત જૈનસાહિત્યગ્રંથ ‘વિક્રમચરિત્રરાસ’ વિશે પ્રો. દર્શના ધોળકિયાએ આસ્વાદલક્ષી વક્તવ્ય રવિવારે રજૂ કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
પિંકી પંડ્યા : ઈ.સ.1518 માં ઓસગચ્છના શ્રી મતિકલસના શિષ્ય અમૃતકલસે રાજસ્થાનના રણથંભોરના રાજા હમ્મીર ચૌહાણના શરણાગત ધર્મ અને શૂરવીરતાને કેન્દ્રમાં રાખીને ‘હમ્મીરપ્રબંધ’ કૃતિની રચના કરી છે. 13મી સદીમાં હમીર દેવના રાજ્યકાળ દરમિયાન દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના બે સેનાનાયકોએ વિદ્રોહ કરીને હમ્મીરદેવનું શરણું લીધું. ખિલજીએ પોતાના અપરાધીઓ પાછા માંગ્યા પણ હમીરદેવે શરણાગતને સોંપવા ઇનકાર કર્યો. પરિણામે હમ્મીરદેવ અને અલાઉદ્દીન વચ્ચે યુદ્ધ થયાં. આરંભે બે યુદ્ધમાં હમ્મીરદેવની જીત થઈ. પરંતુ હમ્મીરદેવના પ્રધાનોએ દેશદ્રોહ કરતા અંતિમ યુદ્ધમાં હમ્મીરદેવે કેસરિયા કર્યા અને તેમની રાણીઓએ જૌહર કર્યું. આમ, પોતાના શરણાગત ધર્મને જાળવવા હમીર હઠીએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું. કવિએ આ કૃતિમાં શરણાગત ધર્મનો મહિમા કર્યો છે.
દર્શના ધોળકિયા : ‘વિક્રમચરિત્ર રાસ ‘આ વિષયની સૌથી જૂની રચના છે. કવિ ઉદયભાનુ બીજા વાર્તાકાર કવિઓથી જુદા પડે છે એમની શૈલીની રસિકતા ને પ્રાસાદિકતાને કારણે વિક્રમ રાજાના પુત્રની આ કથામાં વિક્રમસેન અને એની માતાને પરણીને એને છોડી ગયેલા પિતા વિક્રમના નગરમાં જઈને પોતાની ઓળખ વગર ભલભલાને હાર પમાડે છે અને છેવટે રાજાના પુત્ર તરીકે જાહેર થઈને યશનો ભાગીદાર બને છે. કૃતિમાં પાત્રા લેખન, ભાષા, વસ્તુ સંકલના સપ્રમાણ છે.આ બધું ભેગું થઈને કૃતિ ‘અખંડ લહેરી ‘ તરીકેનો અનુભવ કરાવે છે એ અર્થમાં મધ્યકાળની નોંધપાત્ર કૃતિ બને છે.