Gandhinagar, Gujarat, Dec 23, ગુજરાતના ગાંધીનગરમાં બીએસએફ દ્રારા આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાના લક્ષ્યને હાંસલ કરવાના ભાગરૂપે આજે દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પણ બીએસએફ દ્રારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 287 યુવક-યુવતીઓને નિમણૂક પત્ર એનાયત થયા હતા.
દેશભરમાં આજે યોજાયેલા રોજગાર મેળા કાર્યક્રમને પ્રધાનમંત્રી શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 71,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમના અનુસંધાને બીએસએફ ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થયું હતું. તેમજ યુવાઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં અલગ અલગ વિભાગોમાં 244 પુરૂષ ઉમેદવારોને તેમજ 43 મહિલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
શ્રી માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ રોજગાર મેળામાં કહ્યું હતું કે 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું લક્ષ્ય છે. ત્યારથી જ પારદર્શિતા સાથે મેરિટમાં સફળ થનારા યુવાઓને નોકરી આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ભાષાના અવરોધના કારણે યુવાનો પાછળ ન રહી જાય એ માટે 11 ભાષાઓમાં પરીક્ષા લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
તેમણે યુવાનોને આહ્વાન કર્યુ કે તમે નોકરી મેળવ્યા પછી કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે નેશન ફર્સ્ટની ભાવના સાથે દેશને આગળ વધારવાનો સંકલ્પ લેજો. આપણે દરેક ક્ષેત્રમાં સાથે મળીને નવા ભારતના નિર્માણમાં પોતાની જવાબદારી નિભાવીએ.