અમદાવાદ, 22 જુલાઈ, ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતે આજે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા શ્રી શેરિંગ તોબગેનું અમદાવાદ એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગુજરાતની આગવી પરંપરા મુજબ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. ગરબા અને ઢોલના નાદ સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન,ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા.