Ahmedabad, Gujarat, Jun 14, ગુજરાત ના અમદાવાદમાં ‘ પાક્ષિકી ‘ અંતર્ગત આજે વાર્તાકાર ડૉ. હર્ષદ લશ્કરી દ્વારા ‘ગિફ્ટ’ વાર્તાનું પઠન કરવામાં આવ્યું.
સંચાલક ચેતન શુક્લએ જણાવ્યું કે આજના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ગદ્યના દરેક સ્વરૂપો માટેની કાર્યશાળા ‘ પાક્ષિકી ‘ અંતર્ગત વાર્તાકાર ડૉ. હર્ષદ લશ્કરી દ્વારા ‘ગિફ્ટ’ વાર્તાનું પઠન કરવામાં આવ્યું.
આ વાર્તાના પઠન બાદ પ્રફુલ્લ રાવલની ઉપસ્થિતિમાં જયંત ડાંગોદરા, ચિરાગ ઠક્કર, દીના પંડ્યા, સંતોષ કરોડે, સાગર શાહ, ડૉ. વિક્કી પરીખ, પ્રિયાંશુ પટેલ, રાજેશ ધગિયા, જે.સી વ્યાસ, હિરલ વ્યાસ, પૂર્વી શાહ, ભારતી સોની, નિર્મલા મેકવાન, મુકુલ દવે, કલ્પેશ પટેલ, ચિંતન મધુ, હેત મધુ તથા અન્ય સુજ્ઞ ભાવકો દ્વારા વાર્તા વિશે સંવાદ રચાયો હતો.
વાર્તાનો નાયક વૈભવ અને નાયિકા નીલિમા દસ વર્ષ પછી બેંગ્લોર ખાતે મળે છે. જ્યાં બંનેનો રોલ અનુક્રમે કર્મચારી અને માલિક તરીકે હોય છે. પરંતુ દસ વર્ષ પહેલાંનો એ બંનેનો ભૂતકાળ એ બંને સામે ઊભો હોય છે જ્યાં એ બંને ગાઢ પ્રેમી હોય છે. પરંતુ વૈભવ નામી નાયક કરતાં સ્થૂળ વૈભવ નીલિમા માટે આદર્શ હોવાથી એ બંનેનું મિલન શક્ય બનતું નથી.
દસ વર્ષ પછી માલિકના અધિકારથી નીલિમા વૈભવ સાથે એક અઠવાડિયું સાથે વિતાવવાનો આદેશ કરે છે. સાત દિવસના સહવાસ બાદ એ બંને છૂટા પડે છે ત્યારે વૈભવ નીલિમાને ગિફ્ટ તરીકે એક એકરાર કરે છે કે તે એઇડ્સથી પીડાય છે.
પણ હકીકતમાં શું છે એનો લેખક અંતે સ્ફોટ કરે છે. વાર્તાને અંતે વાર્તાકાર પાસે ભાવકો-વાચકોને શું અપેક્ષિત હોય એ વિશે પણ ઊંડી ચર્ચા થઈ.
