Spread the love

Ahmedabad, Gujarat, Apr 07, અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૬ એપ્રિલ, ૨૦૨૫, રવિવારે, સવારે, શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજય આદરણીયશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયમેરુજીના જૈનસાહિત્યગ્રંથ ‘હંસરાજ વછરાજ પ્રબંધ’ વિશે સાહિત્યકાર સેજલ શાહે મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
સેજલ શાહ :’હંસરાજ વચ્છરાજ’ કૃતિ મધ્યકાલીન યુગની જાણીતી કથા છે. પદ્યવાર્તાનો પ્રકાર જૈન અને જૈનેતર કવિઓએ – વાર્તાકારોએ ઠીક ઠીક પ્રમાણમાં ખેડ્યો છે. નરસિંહ પૂર્વે બે જૈન કવિઓ પાસેથી પદ્યવાર્તાઓ સાંપડે છે. ઈ. સ. 1355માં વિજયભદ્ર અને હીરાણંદ ઈ. સ. 1429માં ‘વિદ્યાવિલાસ પવાડુ’ લખે છે.
આજ નામક રાસ, પ્રબન્ધ, ચૌપાઈની રચના સંસ્કૃત, મારું ગુર્જર, હિન્દી આદિ ભાષામાં એકથી વધુ સર્જકે કરી છે. હંસરાજ નિદાન અને હંસરાજ ચરિત્ર એ નામની રચના ‘હંસરાજ વચ્છરાજ’ કથાબીજથી વેગળી છે. શ્રી વિનયમેરુજીની રચનાના આધારે હાલમાં શ્રી યોગતિલકજી મ.સા, નવું સંપાદન કર્યું છે, તે કૃતિ અને આચાર્ય જીનોદયજી અને આચાર્ય સર્વસુન્દરજીનો હિન્દીમાં થયેલા અનુવાદને આધારે આ કથાબીજ કઈ રીતે જુદાં જુદાં સમયે વિસ્તર્યું તેની સંશોધનપૂર્ણ વાત કરવાનો પ્રયત્ન થયો. કથાઘટક અને સંકલનાની દૃષ્ટિએ પ્રસંગોથી ભરપૂર બે ભાઈના વિરહની કથા છે.
નરવાહન રાજાને સ્વપ્નમાં આવેલી સ્ત્રી સાથે લગ્ન કરવાના કોડ જાગે છે ત્યારથી લઈને બે બાળકનો જન્મ, અને તેમના પર સમયાંતરે લાગતા આરોપો અને તેમાંથી બહાર આવતા તેઓ કઈ રીતે પોતાના ચરિત્રને ઉજ્જવળ રાખી શકે છે તે મુખ્ય કથા આધાર છે. કર્મનો અત્યંત મહત્વનો સિધ્ધાંત અને મનુષ્ય સાથે જે કઈ થાય તેમાં તેના જ પૂર્વજન્મના કાર્યો કારણભૂત હોય છે, કોઈ જાતના દેખાડા વગર શ્રધ્ધાવંત ‘હંસરાજ વચ્છરાજ’ બંને ભાઈનું પરાક્રમ આવેલી પરિસ્થિતિના સ્વીકારભાવમાં છે.
બાવન વીરની વાત અને આપણી સંસ્કૃતિ સાથેના તેના જોડાણનું પ્રતિબિંબ પણ અહી જોવા મળે છે. છેવટે મનુષ્યનું ચરિત્ર તેના વર્તનમાં જ વ્યક્ત થતું હોય છે અને બંને ભાઈનો પરસ્પર પ્રત્યેનો રાગ હોવા છતાં તે કોઈ અવરોધનું કારણ નથી બનતું. કથામાં ઉપયોગમાં લેવામાં આવેલી ચતુરાઈ અને કેટલાક પ્રસંગોમાં પ્રજાને રસ પણ પડે અને આવો સદ્દભાવના સભર ગ્રંથ મનુષ્યને અહિંસા અને સંયમ તરફ દોરે છે. રસ અને વૈરાગ્ય, ભાવ અને સ્થિરતા, ઉદ્દેશ્ય અને અડગ વ્યક્તિત્વનું પ્રતિબિંબ આ કથાને અનેરી ઉંચાઈ બક્ષે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *