Ahmedabad, Gujarat, May 25, ગુજરાત ના અમદાવાદમાં ‘ પાક્ષિકી ‘ અંતર્ગત ભુજના વાર્તાકાર મધુકાંત આચાર્યએ ‘મકરંદ ઈસ્માઈલી’ વાર્તાનું પઠન કર્યું.
સંચાલક ચેતન શુક્લએ આજે જણાવ્યું કે આ વાર્તાના પઠન બાદ પ્રફુલ્લ રાવલની ઉપસ્થિતિમાં ચિરાગ ઠક્કર, સાગર શાહ, રાધિકા પટેલ, ડૉ. વિક્કી પરીખ, તુષાર દેસાઈ, અશોક નાયક, હેમલ દેસાઈ, પ્રવીણ મોદી, પ્રિયાંશુ પટેલ, અનિલ શુક્લ, ગૌતમ સુંદર તથા દિવ્યેશ તથા અન્ય સુજ્ઞ ભાવકો દ્વારા વાર્તા વિશે સંવાદ રચાયો હતો.
ભૂકંપના આંખે દેખ્યા અહેવાલને વાર્તાકારે ‘મકરંદ ઈસ્માઈલી’ વાર્તાના રૂપમાં ઢાળ્યું હતું એ મુજબ. વાર્તામાં એ સમયનું સુપરે ચિત્રણ કર્યા બાદ વાર્તાનાયક મકરંદ ઈમારતમાં ફસાયેલી એક કિશોરીનો અવાજ સાંભળે છે. ઈમારતના કાટમાળમાંથી એક ઈંટ ખેરવતાં બીજી ઘણી ધસી પડે એવાં સંજોગો હોવાથી નાયક સાવચેતીથી કિશોરીને બચાવવા માંગે છે.
આ કાર્યમાં ઘેરાયેલા નાયકને ત્યારે મરિયમ નામની એક યુવતી જોઈ રહી હોય છે. મરિયમ અને નાયક વચ્ચે જૂનાં લાગણીના સંબંધો છે. મરિયમને પણ ત્યારે મકરંદની ચિંતા થાય છે. કારણ કે એ કિશોરીને બચાવવામાં નાયક મકરંદનો જાન પણ જોખમમાં મુકાઈ શકે છે.
વાર્તાનો અંત વાર્તાકારે જે રીતે મૂક્યો છે એમાં એકસાથે ત્રણ ઘટના બનવાનો ઉલ્લેખ છે. આ ત્રણ ઘટનાના ફક્ત ઈંગિત આપીને વાર્તાકારે આ વાર્તા ભાવકના પક્ષે પણ રહસ્ય ઊભું કરે એવો પ્રયાસ કર્યો છે.
