Rajpipla, Gujarat, Jan 08, ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાની અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા.
આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે આ સમિતિના સભ્યો મંગળવારે રાત્રે જ એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી જિલ્લામાં આવકાર્યા હતા.
૧૫મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ૧૧ જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીની સાથે કુલ ૬ સભ્યો પૈકી દાંતાના ધારાસભ્ય કાન્તિભાઈ ખરાડી, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામીત અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા. જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પલસી ખાતેના લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળાં સમિતિ સાથે જોડાયા હતા.
અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યોએ તેઓની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં નર્મદા ડેમ ટોપ ખાતે પહોંચી ઈજનેરો પાસેથી ડેમના બાંધકામ, પાણીનો જથ્થો અને કેટલા વિસ્તારમાં સિંચાઈ-પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે તે સહિતની સમગ્રતયા વિગતો મેળવી હતી. અહીં સમિતિએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરી તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતની જીવાદોરી સમાન મહત્વાકાંક્ષી યોજનાને પૂર્ણ કરવાનો સુવર્ણ અવસર મળ્યો, જેના થકી આજે લાખો હેક્ટરમાં સિંચાઈ અને લાખો લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે જે સૌ ગુજરાતીઓ માટે સદભાગ્યની વાત હોવાનું તેઓએ કહ્યું હતું. બાદમાં ટીમ રિવર બેડ પાવર હાઉસની મુલાકાતે પહોંચી હતી. જ્યાં થઈ રહેલા વીજ ઉત્પાદન અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની થતી વહેંચણી અંગે વિસ્તૃતમાં માહિતી ઈજનેરો દ્વારા પુરી પાડવામાં આવી હતી. સાથો સાથ વીજ ઉત્પાદન બાદ તેનું કંન્ટ્રોલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન અંગેની સિસ્ટમ તથા પાવર હાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી.
ટીમના સભ્યોએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી ઈજનેરી કૌશલ્ય અંગે SoUના ગાઈડ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સૌ સભ્યોએ સરદાર સાહેબના ચરણોમાં ભાવ વંદના કરી વ્યૂઈંગ ગેલેરીમાંથી સાતપૂડા અને વિંધ્યાચળની પર્વતમાળાઓ વચ્ચેથી પસાર થતી માં નર્મદાનો નજારો અને સરદાર સાહેબના સ્વપ્ન સ્વરૂપે પ્રસ્થાપિત થયેલા સરદાર સરોવર નર્મદા ડેમનું દ્રશ્ય પણ અહીંથી નિહાળ્યું હતું. બાદમાં તેઓએ વિઝિટ બુકમાં સરદાર સાહેબ અને આ શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ અંગેના પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. તેઓની મુલાકાતને યાદગાર બનાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી નારાયણ માધુ અને જિલ્લા વહીવટી તંત્ર વતી નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવાએ સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિમા અને કોફીટેબલ બૂક અર્પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારી મેળવી રહેલા સ્થાનિક આદિવાસી યુવકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો બપોર બાદ કરજણ ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ટીમને વડોદરા સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રી એસ.ટી. ગામીતે સમગ્ર પ્રોજેક્ટ અને તેનાથી થતી સિંચાઈ તથા પીવાના પાણીની જમણા તથા ડાબા કાંઠા નહેર અંગેની વિગતો આપી હતી. આ સમયે સમિતિના સભ્યોના ધ્યાને આવેલા ખેડૂતોના પ્રશ્નો અંગેની ચર્ચા પણ કરજણ ડેમના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે કરી વધુમાં વધુ ખેડૂતોને ડેમના પાણીનો લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી માર્ગદર્શન સાથે કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
સમગ્ર ટીમના સભ્યોએ કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટની મુલાકાત કરી હતી. અહીં નિર્માણ પામેલા પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ પ્રોજેક્ટ સત્વરે શરૂ થાય અને ખેડૂતોને તેના પાણીનો મહત્તમ લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવા તેમજ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ તેમાં ખૂટતી કડીઓને પૂરવા તથા સમિતિ દ્વારા રાજ્ય સરકારમાં આ અંગેનો અહેવાલ પ્રસ્તુત કરી સ્થાનિક ખેડૂતોને પણ તેનો લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરવા અંગે આશ્વાસન આપ્યું હતું. આ તબક્કે નાંદોદના ધારાસભ્યશ્રી અને કમિટિના સભ્ય એવા ડો. દર્શનાબેન દેશમુખે સમગ્ર મુલાકાતને અનુલક્ષીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સમિતિના સભ્યોની આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, નર્મદા ડેમના અધિકારીઓ, કરજણ જળાશય યોજનાના અધિકારીઓ જોડાયા હતા.