Ahmedabad, Dec 29, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર નીલેશ મુરાણી દ્વારા એમની વાર્તા ‘મૅસેજ ટોન’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે નીલેશ મુરાણી દ્વારા ‘મૅસેજ ટોન’નું પઠન: એટલાન્ટાથી થોડા દિવસ હૈદરાબાદ આવેલી રેખા પોતાનાં મિત્ર દંપતી નેહા-સુમિતને મળવા માટે ગાંધીધામ આવે છે. ટ્રેઈનની આ લાંબી મુસાફરી દરમિયાન અમેરિકા સ્થિત પતિ રાહુલ સાથે મૅસેજથી સતત સંપર્કમાં રહે છે. ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર નેહા-સુમિત લેવા આવે છે. પણ મૅસેજમાં માત્ર સુમિતનો જ ઉલ્લેખ કરે છે. રાહુલ એ ઓડિયો મૅસેજ સાંભળી વળતો મૅસેજ કરે છે કે ‘સુમિત એકલો આવ્યો છે તને લેવા? પણ રેખા મિત્ર દંપતી સાથેનો ફોટો શેર કરે છે. એ દરમિયાન રેલ્વે સ્ટેશનથી ઘરે પહોંચી જાય છે. આખો દિવસ વાતો, અંજારમાં બાંધણી વગેરેની ખરીદી અને ખાણીપીણીની મોજમાં પૂરો થઈ જાય છે. રેખાને એક દિવસ વધારે રોકાઈ જવા માટે દંપતી આગ્રહ કરે છે. પણ રિટર્ન ટિકિટ લઈને આવેલી રેખાને મુંબઈના એક ફ્લેટને ખરીદવાનો વિધિ પતાવી હૈદરાબાદ પહોંચવાનું હોય છે.
આ સમગ્ર સમય દરમિયાન અમેરિકાથી રાહુલનો મૅસેજ ટોન સતત સંભળાયા કરે છે. છેલ્લે રેખા પોતાને સ્ટેશન પર વળાવીને જતા સુમિતને જોતી રહે છે. મોબાઈલ સ્વીચ ઓફ કરી દે છે. અને ‘ટ્રેન તેજ ગતિએ દોડી રહી હતી.’ વાક્ય સાથે વાર્તા પૂરી થાય છે.
વર્ષો પછી મિત્ર મિલનની યુક્તિ પર રચાયેલી આ વાર્તા છે. આ કાર્યશાળા જાણીતા વાર્તાકાર પ્રફુલ્લ રાવલ અને નટવર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાથે સાથે સાગર શાહ, સંતોષ કરોડે, ચિરાગ ઠક્કર, ડો.હર્ષદ લશ્કરી, મનીષા દલાલ, સ્વાતિ મુકેશ શાહ, વ્રજેશ દવે, જયેશ સુથાર, નરેન્દ્ર પંચાલ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.