Spread the love

~મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા મહત્ત્વપૂર્ણ પાસાંઓને આવરી લેતો ‘નારી વંદન’ સપ્તાહ
~અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
Ahmedabad, Gujarat, July 31, ગુજરાત ના અમદાવાદ જિલ્લામાં 1થી 8 ઑગસ્ટ દરમિયાન ‘નારી વંદન’ સપ્તાહ ઊજવાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે‌ ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે વધારે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે, મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્ત્વનાં પરિબળો જેવાં કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ વધુ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે તા. 01થી 08 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વર્ષ 2025માં ‘નારી વંદન’ સપ્તાહના આ કાર્યક્રમમાં તા. 01 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, તા. 02 ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. 04 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા. 05 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા. 06 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા. 07 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા. 08 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો આ ઉજવણીમાં સહયોગી બનશે.
‘નારી વંદન’ સપ્તાહના ઉપરોકત દિવસો દરમિયાન મહિલાઓને સ્વરક્ષણની તાલીમ, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય સેમિનાર, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, મેનસ્ટ્રુઅલ હાઈઝીન અંગેનો જાગૃતિ કાર્યક્રમ, મહિલા રોજગાર ભરતી મેળો, બાલિકા પંચાયતનું આયોજન, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર, મહિલા જાગૃતિ શિબિર, રેલી, એનિમિયા ટેસ્ટિંગ, આરોગ્ય પોષણ અંગે જાગૃતિ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.