Ahmedabad, Gujarat, Apr 29, ગુજરાત ના અમદાવાદમાં નવનીત જાની દ્વારા એમની વાર્તા ‘લેખકીય’નું પઠન કરવામાં આવ્યું.
સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે હાલમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર નવનીત જાની દ્વારા એમની વાર્તા ‘લેખકીય’નું પઠન કરવામાં આવ્યું હતું.
લેખકને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટોરીટેલીંગ તરફથી સર્ક્યુલર પ્રમાણે વાર્તા લખવાનો આદેશ મળે છે. વાર્તાની શૈલી અને સંલગ્ન અન્ય બાબતે થોડી માથાકૂટ થાય છે. લેખક પોતાના મિત્ર લેખકને આ બાબતે પૂછે છે તો એને પણ તંત્રનો ઓર્ડર મળ્યો હોય છે. બંને વચ્ચે લેખકીય નિર્ણય બાબતે વાત થાય છે અને સફરજન છોડી જામફળ ખાવાની પ્રતીકાત્મક વાત કરે છે. ત્યાં જ એક પ્રકાશક નો ફોન આવે છે. એ પછી લેખક વાર્તાની માંડણી કરે છે: હું સાંભળતો રહ્યો અને જોતો રહ્યો ઊતરી આવતી રાતને – અહીં એક કામૂ-કાફકા પ્રેમી અને ભારતીય ઇતિહાસની ઘોર ખોદતા ખોદતા સધી અને શિકોતેર માનું નામાચરણ કરી સૂઈ જતા પડોશીની વાત સુધી વાર્તા આવીને અટકી જાય છે. લેખક વિચારે ચડી જાય છે. વાર્તા લખવા માટે એક અઠવાડિયાની મહેતલ મળી છે. કાગળથી માંડીને જરૂરી તમામ સામગ્રી તંત્રએ પૂરી પાડી છે. વાર્તાનો વિષય પણ… ઉપરાંત વાર્તા ના નિયમો પણ આપવામાં આવ્યા છે. વાર્તા પૂરી થાય એટલે વાર્તાનામું કરાવી લેવાનું પણ સૂચિત કર્યું હતું. એ સાથે મળેલ વાર્તાના નિયમોને તંત્રએ એકવાક્યતા અને એકાત્મકતા સાધવાના પ્રયત્ન રૂપ ઐતિહાસિક કદમ ગણાવ્યું હતું. આ નિયમોની મૂંઝવણ માં જ લેખકે મળેલા વીસ પાનામાંથી કેટલાક તો વાપરી નાખ્યા હતા.
લેખક વાર્તાનો વિચાર કરતા હતા ત્યાં જ વરસાદ તૂટી પડ્યો. ખાટલામાં સૂતેલી વાર્તા – સોરી, સ્ત્રીને જગાડી. સ્ત્રી આંખો ચોળતી જાગી ઊઠી. એ લેખકના હાથમાં અનાયાસ છરી જોઈ છળી પડી. એને ગર્ભપાતની શંકા થઈ. પણ ત્યાં જ એ જેવી લેખકને ‘તમે કશું ભૂલતા તો નથી ને?’ એવું કહે છે ત્યારે લેખકને વાર્તા લખવા માટે મળેલા સમયનું ભાન થઈ આવે છે. લેખક બાપુજીને પત્ર લખે છે. બાપુજીનો જવાબ પણ રજુ થાય છે. પણ એ પત્ર પરત મળ્યો કે નહીં તે લેખકને ખ્યાલમાં આવતું નથી. એ પછી લેખક તંત્રને એક બાંહેધરી પત્ર આપે છે.
એ જ વખતે સાંય સાંય પવન ફૂંકાતી રાત્રે સ્ત્રીએ-વાર્તાએ ઉલટી કરી બધું બગાડી નાખ્યું. કુત્સિત કરી નાખ્યું. બ્રાનો હૂંક નીકળી જાય છે અને એક કડાકો … સ્ત્રી વાર્તા બોલી ઊઠે છે: ‘નખોરિયા કેમ ભરાવો છો?’ અને વોમિટીંગ વાળી એ રાત પછી આગળ વધી નહીં.
ત્યારબાદ વાર્તાને – ઘોડીને એડી મારી દોડાવવામાં આવે છે મોગલકાળની કેડીએ. ખીલજી, ખુશરો મલિક કાફુર, હિજાર દીનારી, મુબારક શાહ, ખુશરોખાન, ખ્વાજા તકી વગેરે પાત્રોનો પરિવેશ ભાવકને મોગલ કાળમાં મૂકી આપે છે. વિશ્વાસ કરનાર ખ્વાજા તકી અંતે તે લૂંટાઈ જાય છે. એ બધું આખર વિસરાઈ જાય છે પણ ખ્વાજા તકીની વાત કદી ભૂલાતી નથી.
એ પછી લેખક વિચારે ચડી જાય છે કે પડોશીના છૈયાં છોકરાં ફોરેન છે અને પત્ની બહેરી છે તો એ વાર્તા કોને સંભળાતા હશે? એ બહાર વરસતા વરસાદ અને કેલેન્ડરનાં ફફડતાં પાનાં વિશે વિચારે ચડી જાય છે.
તંત્ર દ્વારા સર્જાતાં દબાણને કલાકીય ઊંડળમાં લેવાની મથામણ કરતી આ વાર્તા લેખકની નર્મ-મર્મ સભર મન:સ્થિતિનું આલેખન કરે છે. આ કાર્યશાળા પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, મહામંત્રી સમીર ભટ્ટ અને કુમારના તંત્રી પ્રફુલ્લભાઇ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાથે સાથે અર્ચિતા પંડ્યા, સ્વાતિ શાહ, યોગેન્દ્ર પારેખ, વિજય સોની, સાગર શાહ, ચિરાગ ઠક્કર, ચેતન શુક્લ, ડૉ. હર્ષદ લશ્કરી, ડો.વિક્કી પરીખ, અશોક નાયક, અનિલ શુક્લ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.
