Bhavnagar, Gujarat, Jan 03, કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાનાં હસ્તે ગુજરાતમાં ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 3 થી 6 જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આગામી તારીખ 6 જાન્યુઆરી સુધી યોજાનાર આ એક્સ્પોને ખુલ્લો મુકતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી પર વાયબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ભાવનગરના વિકાસમાં ખૂબ મહત્વનું સાબિત થશે. તેમણે ઉમેર્યું કે, આવનારા દિવસોમાં ભાવનગર મોટા ઉદ્યોગોનુ હબ બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વને કારણે આજે આપણો દેશ નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરશે.
મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. ભાવનગરમાં યોજાઈ રહેલા આ એક્સપોમાં ભારત સરકારના MSME મંત્રાલયે સબસિડી આપી સ્ટોલ્સને સ્પોન્સર કર્યા છે. સાથે-સાથે ફૂડ પ્રોસેસસિંગ મંત્રાલયે ફૂડ પ્રોસેસસિંગને લગતા 20 સ્ટોલ્સ માટે સ્પોન્સરશીપ આપી છે, ભાવનગરમાં MSME, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસસીંગ, શિપિંગ, રોલિંગ મિલ્સ જેવા ઉદ્યોગો વિકસવાનો અવકાશ રહેલો છે. કેન્દ્ર સરકારે આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ બનાવી જાહેર કરી છે.
એમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ- 2003માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. જેના લીધે આજે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આ એક્સ્પો માત્ર આપણા વેપાર, ઉદ્યોગ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની અનન્ય તક નથી, પરંતુ તે આપણા રાજ્ય અને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવાનું પ્લેટફોર્મ પણ છે.
આજના ડિજિટલ યુગમાં ભારતે ‘ડિજિટલ ઈન્ડિયા’ હેઠળ અભૂતપૂર્વ ફેરફારો કર્યા છે. આપણે ટેક્નોલોજીકલ ઇનોવેશન્સ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માત્ર આંતરિક રીતે જ વિકાસ કરી રહ્યાં નથી, પરંતુ વૈશ્વિક હબ તરીકે પણ ઉભરી રહ્યાં છીએ. 5G જેવી ઉભરતી ટેક્નોલોજી આવનારા દિવસોમાં આપણા ઉદ્યોગો અને વ્યવસાયોને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બિઝનેસ માટે નવી દિશા નિર્ધારિત કરી શકીએ છીએ. આ ટેક્નોલોજી માત્ર રોજગારીની નવી તકો ખોલવાની સાથે ઉદ્યોગોની ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરશે.
ધોલેરા સ્માર્ટ સિટી (SIR) પ્રોજેક્ટ એ એક ઉદાહરણ છે. જ્યાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક તકનીકી સુવિધાઓ અને રોકાણની તકો એક સાથે આવી રહી છે. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે નવો માપદંડ પ્રસ્થાપિત કરશે. ધોલેરા પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ લાખો રોજગારીની તકો ઉભી કરશે, જે માત્ર ગુજરાતના જ નહીં, પણ સમગ્ર ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આપણે ભાવનગર માટે આ તકને ઝડપવાની છે અને શહેરને વિકાસની નવી દિશા આપવાની છે. આપણે સાથે મળીને પ્રધાનમંત્રીશ્રીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનીએ.
આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસીયાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરી એકસ્પોના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ કામાણીએ આભારવિધિ કરી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.3 થી 6 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ એકસ્પોમાં વિવિધ સેમિનાર તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંતો દ્વારા વિચાર ગોષ્ઠી, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા મહિલાઓ માટે માર્ગદર્શનરૂપ સેમિનાર, હેલ્થ, એન્વાયરમેન્ટ, સસ્ટેનેબીલીટી અને ટેકનોલોજીના વિષય ઉપર ભવિષ્યનાં ભાવનગર અંગેના પ્લાનની ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, સૌરષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યો , વેપાર-ઉદ્યોગનાં નામાંકિત શ્રેષ્ઠીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
