અમદાવાદ, 12 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેતએ જણાવ્યું કે શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રવિવારે, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જૈનસાહિત્યસર્જક હીરાનંદસૂરિ વિશે પ્રો. સુધા ચૌહાણે અને જૈનસાહિત્યગ્રંથ વસ્તુપાલરાસ વિશે પ્રો. રમજાન હસણિયાએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
સુધા ચૌહાણ : હીરાનંદસૂરિ બંદરમાં સૈકાના ઉત્તરાર્ધમાં પીપંલગચ્છના જૈનાચાર્ય હતાં . તેઓ મારુ- ગુર્જર, પ્રાકૃત ભાષાનાં નોંધપાત્ર કવિ હતાં . તેમની પાસેથી પ્રગટ-અપ્રગટ એવી ૧૫ જેટલી કૃતિઓ પ્રાપ્ત થાય છે. જેમાં સંવંત ૧૪૮૪ વસ્તુપાલરાસ ,સંવત ૧૪૮૫ વિદ્યાવિલાસપવાડો , સંવત ૧૪૮૬ કલિકાલ રાસ , કલયુગબત્રીશી જેવી મહત્ત્વની કૃતિઓ હીરાનંદસૂરિ પાસેથી પ્રાપ્ત થાય છે તેમનું સમગ્ર સાહિત્ય તેમની સર્જક પ્રતિભા તે સમયનાં સાહિત્ય સર્જકો માટે સીમાસ્તંભરુપ બની રહ્યું હતું .
રમજાન હસણિયા : પંદરમી શતાબ્દીમાં હીરાનંદસૂરિ દ્વારા રચાયેલી લઘુ રાસકૃતિ ‘વસ્તુપાલરાસ’. વસ્તુપાલના ચરિત્રની વિગતો અને તેમની દાનવીરતા, શૂરવીરતા ‘વસ્તુપાલરાસ’માં જોવા મળે છે. હીરાનંદસૂરિની કવિ તરીકેની વિશેષતાઓ અને વસ્તુપાલ દ્વારા થયેલા સુકૃતોની આંકડાકીય વિગતો આપતી ‘વસ્તુપાલરાસ’ કૃતિ ઐતિહાસિક સંદર્ભે વિશેષ મૂલ્યવાન છે.