Spread the love

Ahmedabad, Gujarat, Jan 13, ગુજરાત ના અમદાવાદમાં શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ જાન્યુઆરી, રવિવારે, સવારે શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ,હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક ‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીરે અને જૈનસાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયાએ મનનીય વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
નિસર્ગ આહીર : વિદ્યાપ્રેમી અને વિદ્વાન જૈન સાધુ આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિ મહારાજસાહેબે અનેક ગ્રંથો લખ્યા છે, અનેક કૃતિઓનું સંપાદનકાર્ય કર્યું છે. એ સર્વમાં શિરમોર વિદ્યાકાર્ય કહી શકાય તે છે આચાર્ય શ્રી દયાસાગરકૃત ‘મદનરાજઋષિ ચતુઃપદી’ કૃતિનું સંપાદનકાર્ય. શિરમોર એટલા માટે કે મુઘલ શૈલીનાં નોંધનીય કહી શકાય તેવાં પ૯ જેટલાં ચિત્રો એમાં છે. ૧૬૧રમાં લખાયેલી, ચિત્રિત થયેલી કૃતિનાં ચિત્રો જોતાં મુઘલ શૈલીના નોંધપાત્ર ચિત્રકાર શાલિવાહન એનો કલાકાર હોઈ શકે એવું અનુમાન કરી શકાય છે. સાહિત્યકૃતિ અને લઘુચિત્રકલાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની આ કૃતિ ભારતીય સંસ્કૃતિનું આગવું સોપાન છે. પ્રકાશનની રીતે આ ગ્રંથ ઉત્તમ પ્રકારનો છે, જેનું કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ છે.
રમજાન હસણિયા : ઈસુની સત્તરમી સદીના આરંભે અચલગચ્છના કવિ વાચક દયાસાગર દ્વારા રચાયેલ અને આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ દ્વારા સંશોધિત-સંપાદિત થયેલ પદ્યવાર્તા ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે ડૉ. રમજાન હસણિયાએ રસાળ શૈલીમાં વક્તવ્ય આપી કૃતિના રસસ્થાનોનો આસ્વાદ કરાવ્યો હતો. જૈન ધર્મની લગભગ કૃતિઓ અંતે શાંત રસમાં ઠરે છે એ વાતને મર્યાદા ગણીને એના કૃતિ તરીકેના અન્ય જમા પાસાની ઉપેક્ષા કરી આપણે ઘણું ગુમાવ્યું છે એમ નોંધી એમણે વધારામાં ઉમેર્યું હતું. કે આપણે વૃત્તિઓને ઉત્તેજિત કરનાર સાહિત્યને જેટલું મહત્વ આપ્યું છે એટલું વૃત્તિઓનું શમન કરનાર સાહિત્યને નથી આપ્યું. કૃતિની વિશેષતા દર્શાવતા તેમણે આ સચિત્ર કામકથાને ગુજરાતી સાહિત્યની શબ્દસંપદાનું એક નઝરાણું ગણાવી હતી. સીધા કામવિજેતા થવાને બદલે સ્વપત્નીસંતોષ વ્રતને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કામકથાને એમણે શીલની જ કથા ગણાવી હતી. એક પછી એક બાર પત્નીઓને જુદી જુદી રીતે વરતા મદનની ગાથા કવિએ કેટલી ઉત્તમતાથી રચી છે એના થોડા સ્વાદચાખણા કરાવ્યા હતા. સ્ત્રીના માનસને બહુ જ સૂક્ષ્મતાપૂર્વક આલેખતી આ કૃતિમાં કામદેવની પૂજા બહુ જ સહજ રીતે વર્ણવી કામસુખની અપેક્ષા પણ એટલી જ સાહજિકતાથી આલેખી છે એવું નોંધ્યું હતું. શૃંગાર અને અદભુત રસથી રસાયેલી આ કથાના આલેખનમાં સર્જકે જે બેલેન્સ જાળવ્યું છે એ અદભુત છે એમ કહી શ્રી હસણિયાએ કૃતિમાં કરાયેલ શીલના મહિનાની વાત સદૃષ્ટાંત સમજાવી હતી. વર્તમાન સમયમાં વૈરાગ્યની આત્યંતિક લાગતી વાતો જેમને કઠે છે એમને આ મધ્યમ માર્ગ સુચવતી કથામાંથી અચૂક પસાર થવું જોઈએ એવી હાકલ કરી હતી. વૈરાગી સાધુ દ્વારા આવી કૃતિની રચના થવી ને વર્ષો પછી વળી વૈરાગી સાધુ દ્વારા એનું પ્રકાશન થવું એ ઘટનાને જૈન ધર્મની વિશાળતાની પરિચાયક ઘટના ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *